સુરેન્દ્રનગર શહેરના પંડિત દિનદયાળ હોલ ખાતે સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ, મોરબી જિલ્લાના સરકારી વકીલ, મામલતદાર, સરકારી તબીબ અને પોલીસ અધીકારીઓની તાલીમનું આયોજન કરાયુ હતુ. પ્રોસીકયુશન વીંગ મજબુત બનાવવા કરાયેલ આ તાલીમમાં ડેપ્યુટી ડાયરેકટરે જણાવ્યુ કે, વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા આરોપીઓમાંથી 60 ટકામાં પુરતા પુરાવા એકત્ર ન થતા તેઓ છુટી જાય છે અને સમાજમાં કોલર ઉંચા કરીને ફરે છે.


ડાયરેકટોરેટ ઓફ પ્રોસીકયુશન ગુજરાત રાજયની કચેરી અને સુરેન્દ્રનગર જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા તા. 14મીને રવિવારે સુરેન્દ્રનગર ઉપરાંત મોરબી અને રાજકોટ જિલ્લાના અધીકારીઓની તાલીમનું આયોજન કરાયુ હતુ. શહેરના પંડીત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે યોજાયેલ આ તાલીમમાં ત્રણેય જિલ્લાના સરકારી વકીલો, મામલતદાર, સરકારી હોસ્પિટલના તબીબો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તી એમ.આર.મેંગડે, ડિસ્ટ્રીકટ જજ કે.આર.ઉપાધ્યાય, નાયબ કલેકટર એચ.ટી.મકવાણા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે નીષ્ણાત ડો. પંકજ પ્રજાપતિ, ચીરાગ દવે, એસ.કે.વોરા, વી.સી.જાની સહિતનાઓએ પ્રોસીકયુશન વિંગને મજબુત બનાવવા મામલતદાર, પોલીસ અધીકારી, તબીબ, સરકારી વકીલોને ટ્રાયલના મહત્વના મુદ્દા એફઆઈઆર, ચાર્જશીટ, ઓળખ પરેડ, ઈન્જરી સર્ટીફીકેટ, ડાઈંગ ડેકલરેશન, પીએમ નોટ વગેરે વિષયો પર તાલીમ આપી હતી. આ તકે ડાયરેકટોરેટ ઓફ પ્રોસીકયુશનના ડેપ્યુટી ડાયરેકટર રાકેશ રાવે જણાવ્યુ કે, વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા આરોપીઓમાંથી 60 ટકા આરોપીઓ સામે પુરતા પુરાવા એકત્ર ન થતા તેઓ છુટી જાય છે અને સમાજમાં કોલર ઉંચા કરીને ફરે છે. વિવિધ ગુનાઓમાં કન્વીકશન રેટ વિશે તેઓએ જણાવ્યુ કે, વિદેશોમાં આ દર 90 ટકાથી વધુ છે જયારે ભારતમાં 50 ટકાથી ઉપર અને ગુજરાતમાં તો 25 ટકા જેટલો જ છે. આથી આરોપીને ન્યાયોચીત્ત સજા મળે તે માટે સરકારી વકીલ, પોલીસ અધીકારી, સરકારી તબીબ અને મામલતદારે સાથે મળીને કેસ પર કામ કરવુ જોઈએ. કોઈપણ સેશન્સ ટ્રાયલ કેસ દરમીયાન તપાસનીશ પોલીસ અધીકારીએ મહિનામાં એક વાર સરકારી વકીલની મુલાકાત લેવી જોઈએ. કાર્યક્રમની શરૂઆત પહેલા પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજની નેત્રહીન બાળાઓએ સાંસ્કૃતીક કાર્યક્રમો રજૂ કર્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણી, પી.બી.મકવાણા, પી.જી.રાવલ, એન.ડી.કારીયા, રાજભા રાઓલ સહિત જિલ્લા સરકારી વકીલની કચેરીના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: