ધ્રાંગધ્રાના પશુપાલકોને ટેમ્પીમાં પશુ ભરી કતલખાને ધકેલાતા હોવાની બાતમી મળતા કાપેલીધારથી પેટ્રોલપંપ સુધી પીછો કર્યો હતો. અને બે શખ્સો સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે પશુઓ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. ધ્રાંગધ્રાના પુનીતનગરમાં રહેતા 30 વર્ષીય અજયભાઈ જીલાભાઈ મુંધવા પશુપાલન કરે છે. તા. 29-10ના રોજ બપોરે તેઓને પૃથુગઢના પાટીયેથી ધ્રાંગધ્રા તરફ ટેમ્પીમાં 2 પાડાઓ ભરીને લઈ જવાતા હોવાની બાતમી મળી હતી. આથી તેઓ એકટીવા લઈને મુકેશ સરૈયા સાથે પૃથુગઢના રસ્તે રવાના થયા હતા. જેમાં ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઈવે પર કાપેલી ધાર નજીક ટેમ્પીમાં 2 પાડા નજરે પડતા વાહન અટકાવવાની કોશીષ કરી હતી. પરંતુ ચાલકે વાહન ધ્રાંગધ્રા તરફ હંકારી દેતા એકટીવા પર બન્ને પશુપાલકોએ પીછો કર્યો હતો. જેમાં ધ્રાંગધ્રા પેટ્રોલપંપ પાસે ટેમ્પીને આંતરી તપાસ કરાતા તેમાં ઘાસચારાની કે પાણીની વ્યવસ્થા વગર 2 પાડા ક્રુર રીતે બાંધેલી હાલતમાં નજરે પડયા હતા. આથી પાડા સહિત વાહનને પોલીસ મથકે લઈ જવાયુ હતુ. જેમાં એએસઆઈ સી.એમ.મકવાણા સહિતનાઓએ તપાસ કરતા ચાલક ધ્રાંગધ્રાનો ફરદીન સીકંદરભાઈ ભટ્ટી અને તેની પાસે ટેમ્પીમાં બેઠેલો મોહસીન મહેબુબભાઈ ભટ્ટી હતો. આ બન્નેને પશુઓ કયાંથી કયાં લઈ જવાતા હતા તે પુછતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આથી બન્ને સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે પશુઓ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાના અધીનીયમ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ એએસઆઈ એ.કે.રાઠોડ ચલાવી રહ્યા છે.
