દસાડા પોલીસે નાઈટ પેટ્રોલીંગ દરમીયાન દારૂ ભરેલ કારનો પીછો કર્યો હતો. જેમાં ર શખ્સો દારૂ ભરેલ કાર મુકી ફરાર થતા પોલીસે પીછો કરી ઝડપી લીધા હતા. દારૂ, કાર, મોબાઈલ સહિત રૂપીયા 8.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી છે. બીજી તરફ નગવાડાના બોર્ડ પાસે જયુપીટર, દારૂ-બીયર સાથે ઝીંઝુવાડાનો શખ્સ પકડાયો છે.દસાડા ઈન્ચાર્જ પીઆઈ વી.આઈ.ખડીયા, ભરતસિંહ પરમાર સહિતનાઓને રાત્રી પેટ્રોલીંગ દરમીયાન વણોદથી એછવાડા તરફ વિદેશી દારૂ ભરેલ ક્રેટા કાર નીકળનાર હોવાની બાતમી મળતા હાઈવે પર વીલ્સ ઈન્ડીયા કંપની પાસે વોચ રાખી હતી. જેમાં રાતના 1-30 કલાકે બાતમીવાળી ક્રેટા કાર નીકળતા તેને રોકવાની કોશીષ કરતા ચાલકે એછવાડા ગામ તરફ કાર ભગાવી હતી. જેમાં પોલીસે પીછો કરતા એછવાડા કેનાલ પાસે કાર મુકી તેમાંથી 2 શખ્સો નાસવા લાગ્યા હતા. આથી પોલીસે પીછો કરી બન્નેને ઝડપી લીધા હતા. આ શખ્સોની પુછપરછ કરતા તેઓ રાજસ્થાનના 21 વર્ષીય ભુવનેશ નરસીંગારામ ચૌધરી અને 22 વર્ષીય સતારામ વેહનારામ જાટ હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂની નાની મોટી 698 બોટલો મળી આવ્યા હતા. આ બન્નેની વધુ પુછપરછમાં આ દારૂ રાજસ્થાનથી હરીશ નામના શખ્સે ભરી આપ્યાનું કહ્યુ હતુ. આથી દારૂ, કાર અને ર મોબાઈલ સહિત રૂપીયા 8,39,570નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય સામે દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. રાજસ્થાનના હરીશને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ વી.જે.માલવીયા ચલાવી રહ્યા છે. જયારે દસાડા તાલુકાના નગવાડા ગામના બોર્ડ પાસેથી ઝીંઝુવાડાનો 47 વર્ષીય ગોવિંદસિંહ બાબુભા ઝાલા દારૂના 8 ચપલા, બીયરના 10 ટીન, જયુપીટર સહિત રૂપીયા 16,910ની મત્તા સાથે પકડાયો છે. આ દારૂ તે ઝીંઝુવાડાના રાજદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રાજદીપસિંહ ઝાલાને ઝડપી લેવા વધુ તપાસ એચસી આર.એમ.પરમાર ચલાવી રહ્યા છે.
