સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ દ્વારા પ્રતિબંધિત માદક પદાર્થોની બદીને ડામવા ઠેર ઠેર દરોડાઓ જારી છે. છેલ્લા 5 દિવસમાં 5 દરોડા બાદ તા. 25મીએ જિલ્લામાં વધુ 3 સ્થળે દરોડા કરાયા છે. જેમાં દસાડા પીએસઆઈ વી.આઈ. ખડીયા, એમ. બી. મકવાણા, ભરતસિંહ પરમાર સહિતનાઓ તા. રપના રોજ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે વડગામ ત્રણ રસ્તા પાસે ચાની કીટલી ધરાવતો વડગામના રબારીવાસમાં રહેતો પરમા વેલાભાઈ લેઢવાણીયા તેની કિટલીએ સુકો ગાંજો મંગાવી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. આથી ઝીંઝુવાડા પીઆઈ બી. સી. છત્રાલીયા સહિતનાઓને સાથે રાખી રેડ કરાઈ હતી. જેમાં વડગામનો 55 વર્ષીય પરમા લેઢવાણીયા 752 ગ્રામ સુકો ગાંજો અને મોબાઈલ સહિત રૂ. 38,100ના મુદ્દામાલ સાથે પકડાયો છે. આ શખ્સ સામે દસાડા પોલીસ મથકે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ વી.એમ.ટાંક ચલાવી રહ્યા છે. જયારે ધ્રાંગધ્રા પીઆઈ કે. ડી. જાટ, હારૂનભાઈ સહિતનાઓને બુધવારે બપોરે ધ્રાંગધ્રાના મફતીયાપરામાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર પાછળ રહેતો હૈદર વલીમહમદ મોવર તેના રહેણાંક મકાને ગાંજો વેચાણ અર્થે રાખતો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે રેડ કરી હતી. જેમાં ઘરના રસોડામાં રાખેલ એલ્યુમીનીયમના ડબામાંથી સુકો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજા પાસે હૈદરની પ્રાથમીક પુછપરછ કરતા 10 દિવસ પહેલા દાહોદનો દિનેશ રાઠવા આ ગાંજો આપી ગયો હતો. આથી પોલીસે 71 વર્ષીય હૈદર મોવરને 171 ગ્રામ સુકો ગાંજો અને મોબાઈલ સહિત રૂ. 9050ની મત્તા સાથે ઝડપી લઈ બન્ને સામે ગુનો નોંધ્યો છે. દાહોદ જિલ્લાના દિનેશ રાઠવાને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ એ. એમ.ચુડાસમા ચલાવી રહ્યા છે.
