સાયલા ગામના સર્વોદય જીન વિસ્તારમાં સવારના સમયે કોઈ બાબતને લઇને એક જ જ્ઞાતિના બે જૂથો સામસામે આવી જતા ધીંગાણું સર્જાતા દેકારો મચી જવા પામ્યો હતો. ધીંગાણામાં બન્ને પક્ષના લોકો દ્વારા ધારીયા,લાકડીઓ, ધોકા જેવા જીવલેણ હથિયારો વડે એકબીજા પર હુમલો કરતા સામ સામે કુલ નવ જેટલા લોકોને નાની મોટી ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાયલા ગામના સર્વોદય જીન વિસ્તારમાં થયેલ હિંસક મારામારીના બનાવ બાદ ઇજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લવાતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને બન્ને પક્ષે તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. મારામારીની ઘટનાના સમાચાર મળતા સાયલા પોલીસનો કાફ્લો તુરત જ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને અન્ય કોઈ અનીચ્છનીય બનાવ ના બને તે માટે હુમલા સ્થળે તેમજ હોસ્પિટલમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જીવલેણ હથિયારો સાથે થયેલા ધીંગાણામાં ત્રણથી ચાર લોકોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ તેમાંથી એક વ્યક્તિની સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેને રાજકોટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સાયલા પોલીસ દ્વારા આ મામલે ઇજાગ્રસ્તોના નિવેદનો નોંધવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો