થાનના જામવાળી ગામે ગત તા. 24મીના રોજ રાત્રે પોલીસ અને ખાણ ખનીજની ટીમે સંયુકત રેડ કરી હતી. જેમાં એમપીના 2 મજુરો વિસ્ફોટક સાથે ઝડપાયા છે. આ બનાવમાં 4 શખ્સો સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
થાન પીઆઈ વી.યુ.ગડરીયા, નરેશભાઈ ભોજીયા સહિતની ટીમે બાતમીને આધારે થાનના જામવાળી ગામે ખાણ ખનીજની ટીમને સાથે રાખી તા. 24મીના રોજ રાત્રે સંયુકત રેડ કરી હતી. જેમાં અલગ-અલગ જગ્યાએ ખોદાયેલા કુવામાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન થતુ હોવાનું ધ્યાને આવ્યું હતુ. આ સમયે કુવા પાસે ઉભેલા 2 શખ્સો થેલામાં કાંઈક ભરતા હોવાનું ધ્યાને આવ્યું હતુ. આથી આ શખ્સોની પુછપરછ કરાતા તેઓ એમપીના 28 વર્ષીય સોહન મેસુભાઈ ભાબોર અને રાલુ દલાભાઈ ભાબોર હોવાનું જણાવ્યું હતુ. જયારે તેમની પાસેથી ગેરકાયદેસર એકસપ્લોઝીવનો જથ્થો જેમાં જીલેટીન સ્ટીક 280 નંગ કિંમત રૂપીયા 4200, સેફટી ફયુઝના ગુંચળા 11 નંગ કિંમત રૂપીયા 660 સહિત રૂપીયા 4660નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ બન્ને શખ્સો જામવાળીના અરજણ અલગોતરના કહેવાથી એકસપ્લોઝીવ લગાવી કુવામાંથી કોલસો કાઢવાનું તથા તેનું વેચાણ કરવાની મજુરી કરતા હતા. જેમાં બન્નેને દૈનીક રૂપીયા 600 મજુરી પેટે ચુકવાતા હતા. આથી પોલીસે ઝડપાયેલા બન્ને ઉપરાંત અરજણ અલગોતર અને એકસપ્લોઝીવનો જથ્થો આપનાર સહિત 4 સામે થાન પોલીસ મથકે વિસ્ફોટક પદાર્થ અધીનીયમ મુજબ ફરિયાદ નોંધી છે. બનાવની વધુ તપાસ થાન પીઆઈ વી.યુ.ગડરીયા ચલાવી રહ્યા છે.
