ચોટીલા-અમદાવાદ હાઈવે પર ગૌરીબેન વૃધ્ધાશ્રામ પાસે શુક્રવારે સવારે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં મહિલા અને કીશોરના મોત થયા છે. જયારે 3 વર્ષના બાળક સહિત 3ને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ લઈ જવાયા છે. ચોટીલા પોલીસે રાજકોટ દોડી જઈ ઈજાગ્રસ્તોના નીવેદનને આધારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ચોટીલા નેશનલ હાઈવે શુક્રવારે સવારે ફરી રકતરંજીત બન્યો છે. જેમાં અમદાવાદના પરિવારના 2ના મોત થયા છે જયારે 3 ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ લઈ જવાયા છે. આ અંગે મળતી માહીતી મુજબ અમદાવાદના સૈજપુર વિસ્તારમાં રહેતો ઠાકોર પરિવાર ચૈત્રી નવરાત્રી પર્વ હોઈ ચોટીલા ડુંગરે બીરાજમાન માં ચામુંડાના દર્શન કરવા આવ્યો હતો. શુક્રવારે વહેલી સવારે પરિવારે માતાજીના દર્શન કર્યા બાદ પરીવાર કારમાં પરત અમદાવાદ જતો હતો. જેમાં તા.20ના રોજ સવારે 8-45 કલાકે ચોટીલા-અમદાવાદ નેશનલ હાઈવે પર ગૌરીબેન વૃધ્ધાશ્રામ સામે પસાર થતી પીકઅપ કાર આગળ કોઈ પશુ આવી જતા કાર ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેમાં ઠાકોર પરિવારની કાર પીકઅપ પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 32 વર્ષીય સોનાલીબેન કલ્પેશભાઈ ઠાકોર અને 17 વર્ષીય આશીષ રણજીતભાઈ ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત થયુ છે. જયારે 38 વર્ષીય કલ્પેશ કનુભાઈ ઠાકોર, 30 વર્ષીય હર્ષદભાઈ ઠાકોર અને 3 વર્ષીય દિવ્યાંશ કલ્પેશભાઈ ઠાકોરને ઈજાઓ થતા રાજકોટ સારવાર માટે લઈ જવાયા છે. ચોટીલા પોલીસે રાજકોટ દોડી જઈ ઈજાગ્રસ્તોના નીવેદનને આધારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.










