સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકાના જેપર-દાધોળીયા વચ્ચે બાઈક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કિશોર સહિત કુલ બેના મોત થયા છે. બીજી તરફ દસાડા ગ્રામ્યમાં શ્વાન આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ જતા અમદાવાદના યુવાનનું સારવાર દરમિયાન મોત થયુ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને સાયલા ગ્રામ્યમાં અકસ્માતના 3 બનાવોમાં 6 વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. થાનના મનડાસર ગામે રહેતા 20 વર્ષીય સંજયભાઈ ધીરૂભાઈ સરવાડીયા કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગત તા. 10-11ના રોજ તેઓ મિત્રો 18 વર્ષીય રોહીતભાઈ દેવાભાઈ કટુડીયા અને 16 વર્ષીય દશરથભાઈ ઘનશ્યામભાઈ કટુડીયા સાથે બાઈક લઈને વેલાળા (ધ્રા) ગામે સુરાપુરાના દર્શને જવા નીકળ્યા હતા. જેમાં જેપર-દાધોળીયાના રસ્તે સામેથી આવતી એક સીએનજી રિક્ષાના ચાલકે પુરઝડપે ચલાવી બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બાઈક સવાર ત્રણેય મિત્રો નીચે પટકાયા હતા. જેમાં માથામાં વધુ ઈજા થવાથી રોહીત અને દશરથનું મોત થયુ હતુ. જયારે સંજયભાઈને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની જાણ થતા મુળી પોલીસ મથકના એચસી જે.એસ.ગાબુ સહિતનાઓએ દોડી જઈ મૃતકના પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે મુળી પોલીસ મથકે અજાણ્યા રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ યુ.એન.જાડેજા ચલાવી રહ્યા છે. જયારે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રાજકુમાર ઈશ્વરદાન ગઢવી દિવાળી કરવા વતન દસાડા તાલુકાના સુરેલ ગામે આવ્યા હતા. જેમાં તા. 10-11ના રોજ તેઓ બાઈક લઈને ફતેપુર ગામે મોગલ માતાજીના દર્શને જતા હતા. જેમાં વીસનગર-ફતેપુર વચ્ચે રૂપાસણ તળાવ પાસે પહોંચતા રસ્તામાં શ્વાન આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયુ હતુ. જેમાં રાજકુમારને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે પ્રથમ દસાડા સરકારી હોસ્પીટલ, ત્યાંથી વિરમગામની શિવ હોસ્પીટલ અને ત્યાંથી અમદાવાદની એસવીપી હોસ્પીટલ લઈ જવાયા હતા. જેમાં તા. 11-11ના રોજ રાત્રે રાજકુમારનું સારવાર દરમીયાન મોત થયુ હતુ. બનાવની મૃતકના ભાઈ જીતુદાન ગઢવીએ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ કરતા વધુ તપાસ એચસી એન.ડી.ગાબુ ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો