સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઇવેની બાજુમાં કેમીકલ વેસ્ટ અજાણ્યા શખ્સો દ્વારા જાહેરમાં ખેતરોની બાજુમાં ફેંકીને જતા રહેતા ખેડૂતોએ રોષ વ્યકત કરી ફેંકનાર સામે કાર્યવાહીની માંગ કરી છે. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર કેમીકલ વેસ્ટનો નિકાલ કરવાનો કાયદો ખુબ અઘરો છે જેથી અનેક ફેકટરી ધારકો અમુક વખત રાત્રે સીમમાં કે હાઇવે નજીક વેસ્ટ ઠાલવી દેતા હોવાની અગાઉ પણ ઘટના બની હતી.એવામાં સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઇવે ઉપર રાજસીતાપુર સીએનજી પંપની આજુબાજુ ત્રણ જગ્યાએ એક જ પ્રકારનો કેમીકલ વેસ્ટ ખુલ્લામાં રોડને અડીને ખેડૂતોના ખેતરો નજીક ઢગલા કરી ફેંકી દેવાયો છે.આમ એક તરફ ચોમાસુ ચાલતુ હોવાથી વરસાદી પાણીથી ઓગળી ખેતરોમાં કેમીકલ વાળુ પાણી જાય તો ચોકકસ જમીન અને પાકને નુકશાન થઇ શકે એમ હોવાથી ખેડૂતોએ રોષ વ્યકત કર્યો છે.સાથે આ કેમીકલ વેસ્ટનો ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા રીપોર્ટ કરાવી કઇ ફેકટરીનો આ વેસ્ટ છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ ખેડૂતોની માંગ ઉઠી છે.
