સુરેન્દ્રનગરના વડનગર વિસ્તારમાં રહેતા શખ્સે શ્રીરામ ફાયનાન્સમાંથી પોતાના વાહન પર લોન લીધી હતી. જેમાં હપ્તા ચડત થઈ જતા અપાયેલ ચેક રીટર્ન થતા કોર્ટમાં કેસ કરાયો હતો. જેમાં કોર્ટે આરોપીને 1 વર્ષની સજા ફટકારી ન્યાય કર્યો છે.

સુરેન્દ્રનગરના વડનગરમાં આવેલ રામાપીરના મંદિર પાસે રહેતા મહેશ મેરાભાઈ મુંધવાએ પોતાના અશોક લેલન્ડ વાહન ઉપર શ્રી રામ ફાયનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી. જેમાં નીયમીત હપ્તા ન ભરાતા રૂપીયા ચડત થઈ જતા કંપનીને રૂપીયા 5,43,610 લેણા હતા. જેમાં મહેશે તા. 30-5-25ના રોજ રૂપીયા 5.30 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક કંપનીએ બેંકમાં નાંખતા અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. આથી કંપની દ્વારા વકીલ આર.એમ.જોશી મારફત સુરેન્દ્રનગર ચીફ કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. આ કેસ તાજેતરમાં ચાલી જતા કંપનીના કર્મી ભાવીન ઠાકરની મૌખીક જુબાની અને 10 દસ્તાવેજી પુરાવા તથા ફરીયાદીના વકીલની દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપી મહેશ મુંધવાને દોષીત જાહેર કર્યો હતો. જેમાં પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ અને એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ જે.એસ.પંચાલે આરોપી મહેશ મુંધવાને 1 વર્ષની સજા અને ચેકની રકમ ફરિયાદી કંપનીને વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો છે.