સોલડી પાસે બનતા મેડીકલ વેસ્ટ પ્લાન્ટના વિરોધમાં ગ્રામજનોએ વરસતા વરસાદમાં ધ્રાંગધ્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી યોજી આ પ્લાન્ટની મંજૂરી રદ્ કરોના નારા સાથે વિરોધ વ્યકત કર્યો હતો. સોલડી ગામની ફળદ્રુપ જમીનમાં દેવયોગી હેલ્થ કેર કંપની દ્વારા બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે મંજૂરીની પ્રક્રિયા પુર્ણ કરી કામ શરૂ કરવાની તૈયારી દેખાઇ રહી છે. પરંતુ જ્યા પ્લાન્ટ બની રહયો છે ત્યાં આજુબાજુના બધી જ ખેતીની ફળદ્રુપ જમીન,દાડમના બગીચા હોવાના કારણે આ પ્લાન્ટથી જમીન,પાણીના તળ,પાક અને આરોગ્ય સહિત પર્યાવરણને પણ મોટાપાયે નુકશાન થવાની ગ્રામજનોમાં ભીતિ સેવાઇ રહી છે. ત્યારે તાજેતરમાં ગ્રામજનોએ 100થી પણ વધારે ટ્રેકટર દ્વારા ગામથી ધ્રાંગધ્રાના મુખ્ય માર્ગો ઉપર ટ્રેકટર રેલી યોજી હતી. જેમાં જય જવાન જય કિશાન,પર્યાવરણ બચાવો,દાડમના બગીચા બચાવો,જમીન બચાવો અને પાણી બચાવો સહિતના નારા લગાવી કંપનીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.