દસાડા પોલીસે વણોદ ગામે દારૂ ભરેલ કારની બાતમીને આધારે વોચ રાખી હતી. જેમાં બુટલેગરે કાર ભગાવતા પોલીસે પીછો કરતા કાર ચાલક દારૂ ભરેલી કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ-બીયર, કાર સહિત રૂપીયા 7.51 લાખનો મુદ્દામાલ કબજ કરી ફરાર આરોપીને શોધવા કવાયત હાથ ધરી છે. બીજી તરફ લખતરમાં કાચી વસાહતમાંથી દારૂ સાથે 1 શખ્સ ઝડપાયો છે. દસાડા ઈન્ચાર્જ પીઆઈ વી.આઈ.ખડીયા, ભરતસિંહ પરમાર સહિતનાઓને તા. 4ના રોજ રાત્રી પેટ્રોલીંગ દરમીયાન વણોદનો વિરમ રતાભાઈ ઠાકોર પીકઅપમાં વિદેશી દારૂ ભરી છત્રોટથી વણોદ તરફ આવનાર હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે રાતના 12-30 કલાકે વણોદ ગામના બસ સ્ટેશન પાસે વોચ રાખી હતી. જેમાં આરોપી કાર લઈને આવતા તેને રોકવાની કોશીષ કરતા તેને કાર વણોદ ગામ તરફ ભગાવી હતી. આથી પોલીસે દારૂ ભરેલ કારનો પીછો કર્યો હતો. જેમાં વણોદના કોઠંજી માતાજીના મંદિર પાસે આરોપી કાર મુકી પલાયન થઈ ગયો હતો. પોલીસે દારૂની નાની મોટી 1478 બોટલ, બીયરના 40 ટીન, પીકઅપ મળી કુલ રૂપીયા 7,51,056નો મુદ્દામાલ કબજે કરી દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. ફરાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ વી.જે.માલવીયા ચલાવી રહ્યા છે. જયારે સુરેન્દ્રનગર એલસીબી ટીમના લક્ષ્મણસિંહ, ગોપાલસિંહ સહિતનાઓને લખતરના આદલસર રોડ પર આવેલ કાદેસર તળાવની પાળ પાસે ઝુંપડામાં રહેતો મહેશ જખવાડીયા તેના ઝુંપડામાં વિદેશી દારૂ રાખતો હોવાની બાતમી મળતા તા. 3ના રોજ રેડ કરાઈ હતી. જેમાં 38 વર્ષીય મહેશ ગોરધનભાઈ જખવાડીયા વિદેશી દારૂના 383 ચપલા કિંમત રૂપીયા 54,003 સાથે પકડાયો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ 7-8 દિવસ પહેલા લખતરનો હર્ષદ રસીકભાઈ જખવાડીયા તેના ઝુંપડામાં મુકી ગયો હતો. અને દારૂની 1 પેટી રાખવા તે 200 રૂપીયા આપતો હતો. લખતર પોલીસ મથકે બન્ને સામે ફરિયાદ નોંધી હર્ષદ જખવાડીયાને ઝડપી લેવા વધુ તપાસ એચસી એ.એ.ખેર ચલાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગરના રીવરફ્રન્ટ રોડ પરથી જાહેરમાં દારૂ વેચતો રતનપરના ભીમરાવ ચોક પાસે રહેતો 51 વર્ષીય મનોજ વશરામભાઈ વાઘેલા દારૂના 11 ચપલા અને મોબાઈલ સહિત રૂપીયા 6595ની મત્તા સાથે પકડાયો છે.
