સુરેન્દ્રનગરની હોસ્પીટલમાં શુક્રવારે મોડી સાંજે એક મહિલાને લોહીના ટકા ઓછા હોવાની બીમારી સાથે એડમીટ કરાયા હતા. જેમાં તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોએ મોડી રાત્રે હોબાળો મચાવતા પોલીસ દોડી ગઈ હતી. બીજી તરફ શનિવારે ન્યાયની માંગ સાથે પરિવારજનો મૃતદેહ લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા.   

સુરેન્દ્રનગરના પતરાવાળી ચોક નજીક વિરંવદન હોસ્પીટલ આવેલી છે. જેમાં તબીબ તરીકે ડો. હેમલ સરવૈયા પ્રેકટીસ કરે છે. તા. 14મીએ મોડી સાંજે ત્રિવેણીબેન કણઝરીયા નામની મહિલાને લોહીના ટકા ઓછા હોવાથી પરિવારજનો હોસ્પીટલ લઈને આવ્યા હતા. જેમાં રાતના 10-00 કલાક આસપાસ મહિલાનું મોત થયુ હતુ. આ બનાવ બાદ પરિવારજનોએ હોસ્પીટલમાં દેકારો મચાવી દીધો હતો. તબીબી ઓપીડીમાં વ્યસ્ત રહ્યા હોવાથી મહિલાને તાત્કાલીક સારવાર ન મળ્યાની રાવ સાથે મૃતકના પરિવારજનોએ હોબાળો કરતા એ ડીવીઝન પીએસઆઈ એન.એસ.જોશી સહિતની ટીમ તાત્કાલીક દોડી ગઈ હતી. આ વાતની જાણ થતા શહેરના અગ્રણી તબીબો પણ વીરવંદન હોસ્પીટલ દોડી ગયા હતા. અને અંદાજે એકાદ કલાકની સમજાવટ બાદ મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને લઈ જવાયો હતો. બીજી તરફ શનીવારે પણ તબીબ સામે કોઈ કાર્યવાહી ન થતા પરિવારજનો મૃતદેહ લઈને એ ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. અને ન્યાયની માંગ કરી હતી. જેમાં પણ ભારે સમજાવટ બાદ પીએમ રીપોર્ટમાં તબીબની બેદરકારી ધ્યાને આવશે તો ફોજદારી ગુનો દાખલ કરવાની હૈયાધારણા આપતા મામલો હાલ પુરતો સમેટાયો છે.