સુરેન્દ્રનગરની હરીપ્રકાશ સોસાયટીમાં રહેતી મહિલાનું પિયર ડાકોર છે. ડાકોર રહેતા 48 વર્ષીય ભાઈની બન્ને કિડની ફેઈલ થઈ જતા સુરેન્દ્રનગર રહેતી 46 વર્ષીય બહેને કિડની આપી ભાઈને નવજીવન બક્ષ્યુ છે.
હાલના સમયમાં કીડનીને લગતા રોગો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોઈપણ જાતનું વ્યસન ન ધરાવતા લોકોને પણ કિડની ફેઈલ થવાના જવાના બનાવો સામે આવે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં રહેતી મહિલાએ ડાકોર રહેતા ભાઈને કિડની આપી ભાઈ-બહેનના પવિત્ર સબંધને ઉજળો કર્યો છે. મળતી માહીતી મુજબ ડાકોર રહેતા પરિવારની દિકરી દીપીકાબેનના લગ્ન વર્ષ 2005માં સુરેન્દ્રનગરની હરીપ્રકાશ સોસાયટીમાં રહેતા સંદીપભાઈ પાણકુટા સાથે થયા હતા. સંદીપભાઈ દુધના વ્યવસાયમાં બીએમસી કેન્દ્ર ચલાવે છે અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. દીપીકાબેનના ભાઈ ડાકોર રહેતા પ્રીતેશભાઈ તેજાભાઈ દેસાઈને 12-15 વર્ષથી કિડનીની બીમારી છે. જેમાં દર માસે તેઓને 25 હજારથી વધુનો ખર્ચ થતો હતો. જયારે છેલ્લા થોડા દિવસોથી તેઓની બન્ને કિડની ફેઈલ થઈ ગઈ હતી. તબીબોએ આ વાત જણાવી લોહીના સબંધ વાળા વ્યકિતની કીડની લેવાથી સમસ્યા ન રહેતી હોવાનું કહ્યુ હતુ. આથી દીપીકાબેને તુરંત પોતાની કીડની આપવા તૈયારી દર્શાવી હતી. જેમાં દીપીકાબેનના પતિ સહિત સાસરીપક્ષે પણ સહમતી આપી હતી. બીજી તરફ દીપીકાબેને યુ-ટયુબ પર કીડની ટ્રાન્સપ્લાન્ટની વિગતો પણ જાણી હતી. પરોપકારની ભાવના ધરાવતા દીપીકાબેને ભાઈને કીડની આપવાની તૈયારી દર્શાવતા ગત તા. 5 માર્ચના રોજ નડીયાદની મહા ગુજરાત હોસ્પીટલમાં કીડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન થયુ હતુ. આ વાત સોસાયટીમાં ધ્યાને આવતા પડોશીઓ શીતલબેન સંદીપભાઈ મકવાણા, સંગીતાબેન કાંજીયા સહિતનાઓએ દીપીકાબેનનું સન્માન કર્યુ હતુ.
