સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી શાખાની ટીમે જોરાવરનગરની સુખધામ રેસીડેન્સી પાસેથી 1 શખ્સને ગેરકાયદેસર પીસ્તોલ સાથે ઝડપી લીધો હતો. સુરેન્દ્રનગર એસઓજી સ્ટાફના કાનાભાઈ સાબંડ સહિતનાઓ જોરાવરનગર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. જેમાં જોરાવરનગરના વાંકલા નાળા પાસે રહેતો વાદળી શર્ટ પહેરેલા જોગી ઉર્ફે મહેશ જોગરાણા પાસે ગેરકાયદેસર પીસ્તોલ હોવાનું તથા તે સુખધામ રેસીડેન્સી પાસે ઉભો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં 26 વર્ષીય જોગી ઉર્ફે મહેશ નવઘણભાઈ જોગરાણા પાસેથી રૂપીયા 25 હજારની કિંમતની પીસ્તોલ મળી આવી હતી. આ પીસ્તોલ અંગે પુછતા તેણે જણાવ્યુ કે, એકાદ વર્ષ પહેલા જોરાવરનગર ભોગાવા નદીમાં જેસીબી ચાલતુ હતુ. જેનો ચાલક મધ્યપ્રદેશનો રોહીત તેનો મીત્ર હતો અને બન્ને અવારનવાર મળતા હતા. ત્યારે રોહીતે વાત કરી હતી કે, તેની પાસે પીસ્તોલ છે, કોઈને લેવી હોય તો કહેજો. ત્યારે જોગીને પીસ્તોલ રાખવાનો શોખ હોય અને લાયસન્સ મળતુ ન હોઈ તેણે 20 હજારમાં રોહીત પાસેથી પીસ્તોલ ખરીદી હતી. પોલીસે રપ હજારની ગેરકાયદે પીસ્તોલ સાથે જોગી જોગરાણાને ઝડપી લઈ બન્ને સામે આર્મ્સ એકટ મુજબ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. રોહીતને ઝડપી લેવા તપાસ આદરી છે.
