ગરવા ગીરનારની લીલી પરીક્રમાનું હીન્દુ ધર્મમાં ભારે મહત્વ છે. આજે તા. 20 નવેમ્બરથી લીલી પરીક્રમાની શરૂઆત થઈ છે. ત્યારે જુનાગઢમાં પરીક્રમા સમયે ઝાલાવાડના વન વિભાગના કર્મીઓને પણ ફરજ સોંપાઈ છે. જિલ્લાના ર આરએફઓ, 5ફોરેસ્ટર અને 21 બીટ ગાર્ડ સહીત 28 વન વિભાગના અધીકારીઓ અને કર્મચારીઓ જુનાગઢમાં ફરજમાં જોડાશે. દર વર્ષે દિવાળીના તહેવારો બાદ નવા વર્ષમાં ગરવા ગીરનારની લીલી પરીક્રમા આવે છે. આધ્યાત્મીક દૃષ્ટીએ આ પરીક્રમાનું ભારે મહત્વ રહેલુ છે. ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થતી 36 કીમી લાંબી આ પરીક્રમામાં સમુદ્ર તટથી 500 થી 900 મીટર સુધીની ઉંચાઈ સુધીનું ચઢાણ અને ચાલવાનું આવે છે. સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લામાં યોજાતી આ પરીક્રમામાં સમગ્ર ગુજરાત ઉપરાંત ગુજરાત બહારથી પણ શ્રધ્ધાળુઓ અને ખાસ કરીને સંતો ઉપસ્થીત રહે છે. વન વિભાગના દેખરેખ નીચે આવતા ગીરના જંગલોમાંથી આ પરીક્રમા પસાર થતી હોવાની વન વિભાગની ખાસ તકેદારી રહી છે. ત્યારે જુનાગઢમાં હાલ સમગ્ર રાજયના વન વિભાગના કર્મીઓને ફરજ સોંપાઈ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે. સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફીસર ડો. તુષાર પટેલના જણાવાયા મુજબ ગીરનાર એ સીંહનો આરક્ષીત પ્રદેશ છે. પરીક્રમા સમયે સીંહ અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવો ન બને તે માટે દર વર્ષે વન વિભાગના કર્મીઓને તૈનાત કરાય છે. ત્યારે આ વર્ષે જુનાગઢમાં ગીરનારની લીલી પરીક્રમા માટે જિલ્લાના 28 અધીકારીઓ અને કર્મચારીઓને ફરજ માટે રવાના કરાયા છે. જેમાં 2 રેંજ ફોરેસ્ટ ઓફીસર, પ ફોરેસ્ટર અને 21 બીટ ગાર્ડનો સમાવેશ થાય છે. આ કર્મીઓ તા. 20 નવેમ્બરે પરીક્રમા શરૂ થાય તે પહેલા જ ફરજમાં જોડાઈ ગયા છે.
