વિરમગામ શહેરમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા પ્રયુષણ પર્વ બાદ શોભાયાત્રા રવિવારે પ્રવચન પ્રભાવીકા યશોવર્ધના શ્રીજી આદિઠાણા પંદરની શુભ નિશ્રામા તપસ્વીઓ સાથે શાંતિનાથ જીનાલયથી પ્રારંભ થઈ યોજાઈ હતી. પર્યુષણ પર્વમાં આરાધના કરનાર તપસ્વીઓને પારણા કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ શાસન દેવની ભવ્ય શોભાયાત્રા રવિવારે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા. શોભાયાત્રા ઘરાવાડી ધર્મ ધજા, ભગવાનનો કલાત્મક ચાંદીનો રથ, ત્રિશલા માતાને આવેલ ચાંદીના સ્વપ્નોની ઝાંખી, શણગારેલી ઊંટગાડી, બગીઓ, બેન્ડવાજા, ઢોલ શરણાઈ વાદક સાથે વાજતે ગાજતે યોજાઈ હતી. ત્યારે શહેરના ઉબડખાબડ માર્ગના કારણે રથને પસાર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.
