ભાવનગરના તળાજામાં બનેલા ચકચારી સોની દંપતી હત્યા કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જે માતા-પિતાએ પેટે પાટા બાંધીને પુત્રને ઉછેર્યો, તે જ પુત્ર અને પુત્રવધૂએ મિલકતની લાલચમાં ભાડૂતી હત્યારાઓ પાસે માતા-પિતાની ક્રૂર હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. ભાવનગર પોલીસે આ મામલે પુત્ર વિમલ અને પુત્રવધૂ હેતલ વૈઠાની ધરપકડ કરી છે.
મોજશોખને કારણે તેમના પર મોટું દેવું થઈ ગયું
તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પુત્ર અને પુત્રવધૂ રાજકોટ સ્થાયી થયા બાદ ધંધામાં ભારે ખોટ ગઈ હતી અને મોજશોખને કારણે તેમના પર મોટું દેવું થઈ ગયું હતું. આ આર્થિક ભારણમાંથી બહાર આવવા માટે વિમલે તેના માતા-પિતા પાસે મિલકત અને ઘરેણાં વેચવાની માંગણી કરી હતી. જોકે, માતા-પિતાએ મિલકત વેચવાની સ્પષ્ટ ના પાડતા, લાલચુ પુત્ર અને પુત્રવધૂએ તેમને રસ્તામાંથી હટાવવાનો ખૂની ખેલ રચ્યો હતો.
