PNR સોસાયટી સંચાલિત, એન.આર શાહ મેમોરિયલ હોસ્પિટલ તળાજા ખાતે ચાલતા દિવ્યાંગ બાળકોના રિસોર્સ સેન્ટર ખાતે દિવ્યાંગ બાળકો માટે વિશેષ સ્પીચ થેરાપી નિદાન અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી તેમજ બૌદ્ધિક અક્ષમતા ધરાવતા ૧૫થી વધુ બાળકો અને તેમના વાલીઓએ લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન સ્પીચ થેરાપિસ્ટ ડૉ. અંબર ગુપ્તા દ્વારા બાળકોનું વિગતવાર સ્પીચ અને ભાષાકીય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમજ દરેક બાળકની જરૂરિયાત અનુસાર વ્યક્તિગત સારવાર યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તળાજા સેન્ટરના સ્પેશ્યલ એજ્યુકેટર પંકજભાઈ કટકિયા ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પના સફ્ળ આયોજનમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. વાલીઓને સંબોધતા ડૉ. અંબર ગુપ્તાએ જણાવ્યું હતું કે ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી અને બૌદ્ધિક અક્ષમતા ધરાવતા બાળકોમાં બોલવા, ભાષા સમજવા, સામાજિક સંચાર અને ખાવા-પીવાની કેટલીક સમસ્યાઓ જોવા મળી શકે છે. સમયસર નિદાન, યોગ્ય સ્પીચ થેરાપી અને વાલીઓના સક્રિય સહયોગ દ્વારા આવા બાળકોમાં નોંધપાત્ર સુધારો લાવી શકાય છે અને તેમના જીવનની ગુણવત્તામાં વધારો કરીશકાય છે.










