તાલાલા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિએ સરકાર દ્વારા થઈ રહેલ ભાવ વધારાને કારણે સતત વધી રહેલ મોંઘવારીના વિરોધમાં આવેદનપત્ર આપી પ્રજા તથા ખેડૂતો માટે આફ્તરૂપ બની રહેલ ભાવ વધારો તુરંત પાછો ખેંચવા માંગણી કરી છે.


તાલાલા મામલતદાર મારફ્ત રાજ્યપાલને મોકલેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા દિવસે દિવસે પેટ્રોલ,ડીઝલ,એલ.પી.જી ગેસ,જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોમાં સતત ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે પરિણામે મોંઘવારી માઝા મૂકી રહી હોય રાજ્યની પ્રજા તથા ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે.આ ઉપરાંત ખેત ઉપયોગી ચીજ વસ્તુઓના ભાવ પણ અવિરત વધી રહ્યા હોય ખેત ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે પરિણામે ખેડૂતો પણ આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે.પેટ્રોલ,ડીઝલ તથા રાસાયણિક ખાતરોનો ભાવ વધારાથી ખેડૂતોને ખેતી કરવી કઠિન બની ગયું છે તેમજ ભાવ વધારાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે માટે સરકાર દ્વારા કરવામાં આવેલ ભાવ વધારો વિના વિલંબે પાછો ખેંચી ખેડૂતો તથા ગરીબ પરિવારોને યોગ્ય ન્યાય આપવા માંગણી કરી છે.

આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ ભંડેરી,શહેર કોંગ્રેસ પ્રમુખ માલદેભાઈ સોલંકી,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામશીભાઈ પરમાર,વરિષ્ઠ કોંગ્રેસ અગ્રણી ડી.બી.સોલંકી, ગીરધરભાઈ મકાણી, રાજાભાઈ ચારિયા, ભરતભાઈ અડતરિયા વિગેરે અગ્રણીઓ, કાર્યકર્તાઓ જોડાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: