ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રમળેચી ગામે ગતરોજ એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવકની ઓળખ જુથળ ગામના ભરતભાઈ રમેશભાઈ સોંદરવા (ઉં.વ. 32) તરીકે થઈ છે, જેઓ જુથળ ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન અને જાણીતા સામાજિક કાર્યકર હતા.
શરીર પર ગંભીર ઈજાના નિશાન
ભરતભાઈનો મૃતદેહ રમળેચી ગામની સીમમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેમના માથા, પીઠ, હાથ અને ગળાના ભાગે ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા છે. એટલું જ નહીં, તેમના ગુપ્ત ભાગે પણ ઈજા કરવામાં આવી હોવાનું સામે આવતા આ મામલો અત્યંત ક્રૂર હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું છે. ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટરો દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ (PM) કરવામાં આવ્યું હતું.










