વિશ્વપ્રસિદ્ધ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એશિયાઈ સિંહોનું એકમાત્ર આશ્રયસ્થાન હોવા ઉપરાંત ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ તેમજ સ્થાનિક રોજગારીનો મુખ્ય આધારસ્તંભ છે. ગીર પંથકમાં પર્યટન ક્ષેત્રને વધુ વેગ આપવા અને મુલાકાતીઓની સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી સાસણગીર હોમસ્ટે એસોસિએશને રાજ્ય સરકાર સમક્ષ મહત્ત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે.
ગાંધીનગર ખાતે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને સંસ્થાના પ્રમુખ હસમુખભાઈ ગધેસરિયા સહિતના હોદ્દેદારોના પ્રતિનિધિમંડળે રૂબરૂ મળીને વિસ્તૃત આવેદનપત્ર સોંપ્યું હતું. આવેદનપત્રમાં મુખ્યત્વે સાસણગીરના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે UPI વ્યવહારો પરના ટેક્સ અને ચાર્જમાંથી મુક્તિ આપવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, પ્રવાસીઓમાં વધુ આકર્ષણ ઊભું કરવા માટે સાસણગીર અને સતાધાર વચ્ચે દોડતી કુદરતી સૌંદર્યથી ભરપૂર ટ્રેનને 'રેલ જંગલ સફારી' તરીકે બ્રાન્ડિંગ કરી, મુખ્ય સ્થળોએ સમયપત્રકના આકર્ષક વિઝયુઅલ હોર્ડિંગ્સ લગાવવા રજૂઆત કરાઈ હતી. આ તમામ મુદ્દાઓ પર સકારાત્મક વિચારણા કરીને વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે.
