સાબરકાંઠા જિલ્લાના અગ્રણી એવા તલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટયાર્ડ)ની ચૂંટણી યોજાયાને અને પરિણામો જાહેર થયાને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતની નવી બોડીની રચના થઈ શકી નથી. હોદ્દા મેળવવા માટેની આંતરિક હરીફાઈ અને રાજકીય ખેંચતાણના કારણે નિમણૂકો અટકી પડી હોવાની ચર્ચાએ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.ગત તા.25 ઓગસ્ટ, 2026ના રોજ તલોદ માર્કેટયાર્ડની ચૂંટણી યોજાઈ હતી અને તા.26 ઓગસ્ટે પરિણામો જાહેર થયા હતા. આ ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલનો દબદબો રહ્યો હતો અને વિજેતાઓએ ગુલાલ ઉડાડી વિજયોત્સવ મનાવ્યો હતો. જોકે, બહુમતી હોવા છતાં ચેરમેન પદ માટે અનેક દાવેદારો મેદાનમાં હોવાથી મામલો ગૂંચવાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ્' ખાતેથી સત્તાવાર મેન્ડેટ જાહેર થયા બાદ જ ચેરમેનના નામ પર અંતિમ મહોર લાગશે. નિયામક મંડળ સમક્ષ રજૂઆત થઈ હોવા છતાં પ્રક્રિયા આગળ ન વધતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. બીજી તરફ્, નવી બોડીની રચનામાં થઈ રહેલા વિલંબના કારણે માર્કેટ યાર્ડના વહીવટ અને વિકાસના કામો પર માઠી અસર પડી રહી છે. 

ખેડૂતો અને નાના-મોટા વેપારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણમાં વિલંબ થતો હોવાથી ભારે રોષ અને ઉત્સુકતા જોવા મળી રહી છે. નગરના અગ્રણીઓ અને વેપારી વર્ગમાં જૂના ચહેરાઓને બદલે નવા અને સક્રિય ચહેરાઓને તક આપવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. હવે 'કમલમ'નું મેન્ડેટ કોના પર ઉતરે છે અને યાર્ડનાવહીવટને ક્યારે વેગ મળે છે, તેના પર સૌની મીટ મંડાઈ છે.