સાબરકાંઠાના તલોદ તાલુકાના હરસોલ ગામે આવેલી બાવીસ પરગણા પંદર ગામ રોહિત સમાજવાડીમાંથી લોખંડના સળિયા, સેન્ટરિંગ ફોર્મા પ્લેટ અને લોખંડના પાઇપની ચોરીના બનાવમાં તલોદ પોલીસે ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડયા છે. પોલીસે ચોરીમાં ગયેલો મુદ્દામાલ તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલી રિક્ષા સહિત કુલ રૂ. 2,12,8 30નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તલોદ પોલીસના વધુમાં જણાવ્યા મુજબ હરસોલ ગામની બાવીસ પરગણા પંદર ગામ રોહિત સમાજવાડી ખાતેથી 8 એમ.એમ.ના લોખંડના સળિયાની એક ભારી, સેન્ટરિંગ ફોર્મા પ્લેટ અને 3હ1.5 ઈંચના લોખંડના ટુ-કડા પાઇપની ચોરી થઈ હતી. આ બનાવ અંગે તલોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો હતો. ચોરીના ગુનાની તપાસમાં તલોદ પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે જેઠાજીના મુવાડા ગામના સંગરામસિંહ જાલમસિંહ ઝાલા અને સુરપુર ગામના રવિન્દ્રસિંહ શૈલેષસિંહ ઝાલાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન ચોરીમાં ગયેલો મુદ્દામાલ જેઠાજીના મુવાડા ખાતે સંગરામસિંહ ઝાલાના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસે લોખંડના સળિયા, સેન્ટરિંગ ફોર્મા પ્લેટ અને લોખંડના પાઇપ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સીએનજી રિક્ષા પણ કબજે કરી હતી. આ તમામ મુદ્દામાલની કુલ કિ. રૂ. 2,12,8 30 થવા જાય છે. આ સમગ્ર કામગીરી તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર સી. જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. એલ. રાયજાદા તથા તલોદ પોલીસ સ્ટાફ્ દ્વારા કરવામાં આવી હતી.
