વાલોડ તાલુકાની વીરપોર પ્રાથમિક શાળાને પુનઃ શરૂ કરવાના વહીવટી આદેશની સાથે જ એક નવો વિવાદ સામે આવ્યો છે. શાળા પરિસરમાં સાફ-સફાઈની કામગીરી દરમિયાન પરવાનગી વગર સાગના કિંમતી લાકડા કાપી નાખવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠતાં વન વિભાગે શાળા પરિસરમાં પહોંચી તપાસ હાથ ધરી હતી.
વીરપોર ખાતે ?શૂન્ય હાજરીને કારણે બંધ થયેલી શાળા શરૂ કરવાનો? જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, તાપી-વ્યારા દ્વારા તાજેતરમાં જારી પરિપત્ર જારી કરાયો છે. વીરપોર પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5માં એક પણ વિદ્યાર્થી ન હોવાથી આ શાળા સરકારી નિયમોનુસાર બંધ કરવામાં આવી હતી. જો કે, સ્થાનિક ગ્રામજનો અને વાલીઓએ શાળા ફરી શરૂ કરવા માટે 1 માર્ચ 2026થી લેખિત રજૂઆત કરી હતી. સંભવિત પ્રવેશપાત્ર બાળકો બાલવાટીકામાં 5, ધોરણ 2માં ત્રણ અને ધોરણ-5માં 1 મળી વાલીઓએ કુલ 9 જેટલા બાળકોને નિયમિત શાળાએ મોકલવાની લેખિત બાંહેધરી આપતાં આગામી શિક્ષણ સમિતિની મંજૂરીની અપેક્ષાએ ચાલુ શૈક્ષણિક વર્ષ 2026-27થી આ શાળાને પુનઃ શરૂ કરવાનો પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. જેને પગલે? શાળા પરિસરમાં ઝાડી-ઝાંખરા અને વૃક્ષોની સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ દરમિયાન પરિસરમાં આવેલા કિંમતી સાગના વૃક્ષો (લાકડા) પરવાનગી વિના કાપી નાખવામાં આવ્યા હોવાની ગંભીર ફરિયાદ ઉઠી હતી. જેથી વન વિભાગની ટીમ તાત્કાલિક શાળાના પરિસરમાં પહોંચી હતી.










