કુકરમુંડા તાલુકામાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજપુરવઠો નહી મળતા સમયસર પાકોને પિયત આપી ન શકાતા જેની સીધી અસર ઉત્પાદન ઉપર થતા આર્થિક નુકશાન ભોગવવાની નોબત આવી રહી છે, નિયમિત અને પુરતો વીજપુરવઠો પુરો પાડવા મુદ્દે આજરોજ નાયબ ઇજનેર કુકરમુંડા જીઇબી શાખાને આવેદનપત્ર દ્ધારા રજુઆત ખેડૂતોએ કરી હતી.
કુકરમુંડા તાલુકાના ખેડૂતોએ આજરોજ ખેતીવાડી વીજલાઇનની સુવિધા હોવા છતાં વીજપુરવઠો પુરતો ન મળતા તેમજ વારંવાર પાવર કટ તથા લો વોલ્ટેજના લીધે હેરાન-પરેશાન થઇ રહ્યા હોવાના આક્ષેપ સાથે જીઇબી કચેરી કુકરમુંડા શાખા ખાતે લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે, કુકરમુંડા તાલુકાના ખેડુતો ખેતીવાડી વીજકનેકશન ધરાવતા હોવા છતાં છેલ્લા કેટલાંક દિવસોથી ખેતીવાડીની વીજળીમાં વારંવાર અચાનક પાવર કટ અને વોલ્ટેજ ડાઉન થવાનો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો છે. હાલમાં શેરડી, કેળા તેમજ અન્ય પાકની વાવણી તેમજ ખેડ તૈયાર થવાના આરે છે તેમજ ઉગમણી અવસ્થામાં છે, જેને પિયત આપવું ખૂબ જ જરૂરી છે. વીજળીના વારંવારના ધાંધિયાના લીધે ખેતરોમાં ઉભો પાક સુકાઇ રહ્યો છે અને મોટર, પંપ પણ બળી જવાની ભીંતી રહે છે. વારંવાર લાઇટ કાપના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાની નોબત આવી છે. સમયસર પાકને પિયત ન આપી શકાતા જેને લીધે ઉપજ ઓછી થવા સાથે મોંઘા બિયારણ, ખાતર, દવા, મજુરીખર્ચ, ખેડાણ ખર્ચ સહિત અનેક ખર્ચાઓ માથે પડવા સાથે ખેડુતોનું આર્થિક સ્થિતિ કથળવાની શકયતા છે. ત્યારે નિયમિત વીજપુરવઠો ખેતીવાડીનો પ્રાપ્ત થાય તે માટે ફીડર તથા વીજલાઇનનું સત્વરે નિરીક્ષણ કરાવી ક્ષતિઓ દુર કરવા સાથે નિયમિત અને પુરતા વોલ્ટેજ સાથે વીજપુરવઠો કાર્યરત કરવામાં આવે તેવી માંગણી છે. જો ખેડૂતોને ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.










