વાલોડ તાલુકાના બુહારી ગામે પૂર્ણા નદીના કિનારે આવેલ, 'શ્રી રામચંદ્રજી તથા બીકેશ્વર મહાદેવ ટ્રસ્ટ' સંચાલિત રામજી મંદિરે જન્માષ્ટમીના પાવન પર્વની ભક્તો દ્વારા હર્ષોલ્લાસ અને આનંદમય વાતાવરણમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આ પવિત્ર પ્રસંગે મંદિરમાં છેલ્લા ઘણા વર્ષથી ચાલી આવતી સુંદર પરંપરા મુજબ 24 કલાકના અખંડ ભજન-કીર્તનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મોત્સવ ટાણે મહાઆરતી યોજાઈ હતી, જેમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ભાવિકોએ ઉલ્લાસભેર વધાવી લીધો હતો. ભજન સપ્તાહની પૂર્ણતા બાદ ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ માટે ભવ્ય મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં બુહારી સહિત આજુબાજુના વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડયા હતા. મંદિરના પ્રમુખ ઉદય દેસાઈ, માનવ કલ્યાણ ટ્રસ્ટના ઉપપ્રમુખ કર્ણ દેસાઈ, મંદિરના મંત્રી કિરણ ભાવસાર હાજર રહ્યા હતા.