વાલોડ તાલુકાના પેલાડ બુહારીથી બુહારી કુંભારવાડ વચ્ચે પૂર્ણા નદીના પટમાં બનેલા કાચા રસ્તાનો વિવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. નદીમાં પાણીનું વહન ઓછું થતા જેસીબીથી મંજૂરી વીના ફરીથી રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક સ્તરે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના અંગે જાગૃત નાગરિક હાર્દિક ભીખુભાઈ પટેલે તાત્કાલિક '112' પર ફોન કરતા પોલીસ/ઇમરજન્સીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જેસીબી ચાલક પાસે કામગીરી બંધ કરાવી હતી. જોકે જેસીબી કે ચાલક વિરુદ્ધ કોઇ કાયદેસરના પગલાં ભરાયા નથી. ઘટનાની જાણ મામલતદાર તથા ડીડીઓને પણ કરવામાં આવી હતી. અગાઉ પણ પેલાડ બુહારી અને બુહારી કુંભારવાડ સામે પૂર્ણા નદીમાં 500 મીટરથી વધુનો કાચો રસ્તો બનાવી કુદરતી પાણીના વહેણને અવરોધવા બાબતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે હાર્દિક પટેલે કરેલી રજૂઆત બાદ વાલોડ મામલતદારે સિંચાઈ વિભાગ, ભૂસ્તર વિભાગ તેમજ પેલાડ બુહારી અને વીરપોર પંચાયત પાસેથી ખુલાસો માંગ્યો હતો. તે સમયે તંત્ર દ્વારા રજૂ કરાયેલા જવાબોમાં મોટો બ્રિજ અને કોઝવે હોવા છતાં જવાબમાં ખેડૂતો કે ગામલોકોએ લાખોના ખર્ચે રસ્તો બનાવ્યો હોવાની વિગતો સામે આવી હતી, જે તંત્રની કામગીરી સામે આશ્ચર્ય અને શંકા ઉપજાવે તેવી હતી. બીજી તરફ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અગાઉ રજૂ થયેલા પ્રશ્ન સંદર્ભે પંચાયતને ગ્રામસભા બોલાવી લોકો સાથે ચર્ચા કરીને ગેરકાયદે રસ્તાને દૂર કરવા પ્રયોજના વહીવટદારે આદેશ આપ્યા હોવાનું પણ ચર્ચાયું હતું. એટલું જ નહીં, બે પંચાયતની હદ હોવા છતાં માત્ર એકને જ કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી. ભૂસ્તરશાસ્ત્રીએ પણ ભૂંગળા દૂર કરવાની સૂચના આપી હોવા છતાં નદી વચ્ચે બનાવેલો રસ્તો દૂર થયો ન હોવાની હકીકત સામે આવી હતી. હવે નદીમાં પાણીનું વહન ઘટતા ફરીથી 22 નવેમ્બરે રવિવારે બપોરે 12 વાગ્યાં નજીક રસ્તો બનાવવાની કામગીરી શરૂ થતા હાર્દિક પટેલે1.30 વાગે 11 ને જાણ કરી હતી. 1.53 બપોરે 112ની ટીમ ઘટના સ્થળે પહોંચી જેસીબી નબર GJ 26. 2363ના ચાલક પાસે કામગીરી અંગે મંજૂરી દસ્તાવેજ માંગતા આપી શક્યા ન હતા. જેથી રસ્તો બનાવવાની કામગીરી અટકાવી હતી. જોકે જેસીબી ચાલક સામે કોઈ કાર્યવાહી ન થતાં તંત્રની ભૂમિકા વધુ શંકાસ્પદ બની છે.
