તાપી જિલ્લામાં ફરી એકવાર રફ્તારનો કહેર જોવા મળ્યો છે. ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે પર આવેલા ગામડી ગામની સીમમાં મોડી રાત્રે બે મોટરસાયકલ સામસામે અથડાતા પ્રચંડ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇકોના ફુરચા ઉડી ગયા હતા અને તેના પર સવાર યુવકો રોડ પર ફંગોળાયા હતા. આ દુર્ઘટનામાં ત્રણ યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેના કારણે સ્થાનિક પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ત્રણ યુવકોના ઘટનાસ્થળે મોત, પરિવારોમાં માતમ
આ અકસ્માતમાં મોતને ભેટેલા યુવકોની ઓળખ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, રૂમકી તળાવ ગામના રહેવાસી શ્રાવણ વસાવા અને સંદિપ વસાવા, તેમજ વેડાપાડા ગામના ઋષિકેશ વળવીનું અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. આ ત્રણેય આશાસ્પદ યુવકોના અકાળે અવસાનથી તેમના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. અકસ્માતને પગલે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો પણ થંભી ગયા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા.
