સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં ખનીજની ગેરકાયદેસર ખનન પ્રવૃતીને ડામવા ગત તા. 1 ઓકટોબરના રોજ પોલીસ અને ખાણ ખનીજની ટીમે સંયુકત ઓપરેશન હાથ ધરી દરોડા કર્યા હતા. જેમાં રૂપીયા 1.10 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ત્યારે થાન પોલીસ મથકે અલગ-અલગ 3 દરોડાની 24 શખ્સો સામે રૂપીયા 2.68 કરોડની ખનીજચોરીની ફરિયાદ નોંધાઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પેટાળમાં મળી આવતા વીવીધ ખનીજનું બેફામ ખનન અને વહન ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ છે. ત્યારે એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શનથી એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો, ડીવાયએસપી સ્કવોડ, સ્થાનીક પોલીસ અને ખાણ ખનીજની ટીમે ગત તા. 1 ઓકટોબરના રોજ સંયુકત ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ દરોડામાં ગેરકાયદેસર ખનીજ ખનન માટે વપરાતો 1.10 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જેમાં થાન તાલુકાના જામવાળીમાં ગેરકાયદેસર 13 કુવાઓ મળી આવ્યા હતા. આ કુવાઓમાંથી 95,79,006 રૂપીયાની ખનીજચોરીની અરવિંદ બાદરભાઈ સાતોલા, વેરશી સવાભાઈ પરમાર, માલા દેવાભાઈ મકવાણા, રોહીત ચેલાભાઈ દેગામા, સાગર સુરેશભાઈ ડાભી, અજય રમેશભાઈ ગોવાણી, અજીત જેમાભાઈ રોજારા અને મુકેશ દેવાભાઈ મકવાણા સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ થાનના જામવાળીમાં જ અન્ય સર્વે નંબરમાં 20 ગેરકાયદેસર કુવાઓ બનાવી તેમાંથી રૂપીયા 1,43,20,386 રૂપીયાની ખનીજચોરીની અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ થઈ છે. આ ઉપરાંત થાનના ખાખરાળી ગામે પણ રેડ થઈ હતી. જેમાં 5ગેરકાયદેસર કુવાઓ કરી તેમાંથી 29,16,178ની ખનીજની ચોરી કર્યાની નિર્મળ રણછોડભાઈ ત્રમટા, અરજણ આપાભાઈ કરમટા, સુરેશ સવશીભાઈ ઝેઝરીયા, શિવકુ ખાચર, વલકુ શાર્દુળભાઈ, શિવરાજ વલકુભાઈ ધાંધલ, જગુ વલકુભાઈ ધાંધલ, ક્રીષ્નાબેન વલકુભાઈ ધાંધલ, હંસાબેન વલકુભાઈ ધાંધલ, ગોપાલભાઈ રમેશભાઈ મકવાણા, રાજુ નાગજીભાઈ ધોરીયા, રાહુલ ગેલાભાઈ પરમાર, રાજુ ગેલાભાઈ પરમાર, હરેશ ખોડાભાઈ મારૂણીયા, નવઘણ લાલજીભાઈ કણસાગરા અને છના દેવાભાઈ કાંજીયા સામે ફરિયાદ નોંધાઈ છે. ત્રણેય દરોડામાં કુલ રૂપીયા 2,68,15,5700ની ખનીજચોરીની બે મહિલાઓ સહિત 24 આરોપીઓ સામે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એચસી આર.ડી.રોજાસરા ચલાવી રહ્યા છે.