સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં ખનીજ માફિયાઓ સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. હાલમાં જ્યારે તમામ સરકારી અધિકારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત છે, ત્યારે આ તકનો લાભ ઉઠાવીને ખનીજ માફિયાઓ જમીન ખોદી રહ્યા હોવાની બાતમી મળી હતી. થાનગઢના વેલાળા ગામની વીડમાં સર્વે નંબર 26 ની જમીનમાં ગેરકાયદેસર રીતે કોલસાનો કૂવો ખોદીને ખનન કરવામાં આવી રહ્યું હતું. અધિકારીઓએ સ્થળ પર પહોંચીને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

સંયુક્ત દરોડામાં લાખોનો મુદ્દામાલ કબજે

ચોટીલા SDM એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદાર દ્વારા સંયુક્ત રીતે આ દરોડા પાડવામાં આવ્યા હતા. રેઈડ દરમિયાન ઘટનાસ્થળેથી 1 લોડર મશીન, 1 ડમ્પર અને અંદાજે 40 મેટ્રિક ટન કોલસો મળી આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા કુલ રૂ.51.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓની આ આકસ્મિક તવાઈને પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ત્રણ શખ્સો સામે કડક કાર્યવાહીનો આદેશ

ગેરકાયદે કોલસાનું ખનન કરવા બદલ પોલીસે અને ખાણ-ખનીજ વિભાગે મુખ્ય આરોપીઓ અરવિંદ સારદીયા, મુકેશ સારદીયા અને ઘુઘા ખાંભલા સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ચૂંટણીની વ્યસ્તતા હોવા છતાં પણ કુદરતી સંપત્તિની ચોરી કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. હાલમાં આ મામલે પોલીસ ફરિયાદની પ્રક્રિયા ચાલી રહી છે અને ખનનમાં સંડોવાયેલા અન્ય શખ્સોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો