ચોટીલા તાલુકાના ગુંદા ગામે રહેતા રણજીતભાઈ છગનભાઈ સોલંકીને રમેશભાઈ જેસાભાઈ મેઘાણીની પુત્રી અને રાજકોટ જિલ્લાના કુવાડવા તાલુકાના ખેરડીના મહેશ રઘુભાઈ સોમાણીની પત્ની સાથે પ્રેમસબંધ બંધાયો હતો. 4 માસ પહેલા પરિણીતાએ રણજીતભાઈને મારે તારી સાથે રહેવુ છે, મને લઈ જા તેમ કહેતા બન્ને 9-2-25ના રોજ ભાગ્યા હતા અને રાજકોટ ખાતે મૈત્રી કરાર કરી થાનના જામવાળી ગામે ઈંટોના ભઠ્ઠામાં મજુરી કરતા હતા. પરંતુ આ ઈંટોનો ભઠ્ઠો બંધ થઈ જતા બન્ને પરત ગુંદા રહેવા ગયા હતા. જયારે ડોકયુમેન્ટ તથા સામાન જામવાળી હોઈ તા. 1-5ના રોજ બપોરે રણજીતભાઈ બાઈક લઈને જામવાળી જતા હતા. જેમાં જામવાળી નજીક પેટ્રોલપંપે પેટ્રોલ પુરાવતા સમયે ઈકો કાર લઈને ભરત રમેશભાઈ મેઘાણી અને 2 અજાણ્યા શખ્સો આવ્યા હતા. અને રણજીતભાઈને માર મારી તેમના રપ હજારની કિંમતના ર મોબાઈલ તથા ખીસ્સામાંથી રૂપીયા 3 હજાર બળજબરીથી પડાવી લઈ રણજીતભાઈનું ઈકો કારમાં અપહરણ કરી ચોટીલા તાલુકાના ચાણપા ગામની સીમ વાડીમાં લઈ જઈ ઓરડીમાં પુરી માર માર્યો હતો. આ સમયે મહેશ સોમાણી પણ ત્યાં આવ્યો હતો અને તેની પત્ની કયાં છે તેમ પુછી માર માર્યો હતો. આ અંગે પરિણીતાના પતિ, ભાઈ અને 2 અજાણ્યા શખ્સો સામે અપહરણ, લૂંટ, મારામારીની ફરિયાદ થાન પોલીસ મથકે નોંધાતા પીઆઈ વી.યુ.ગડરીયાની સુચનાથી સ્ટાફે તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા. જેમાં એએસઆઈ જગદીશભાઈ સીંધવ, કાનાભાઈ સાબંડ સહિતનાઓએ ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સથી મળેલ બાતમીને આધારે મોટી મોલડીના ભરત રમેશભાઈ મેઘાણી, ખેરડીના મહેશ રઘુભાઈ સોમાણી, પીપળીયાના જગા ઉર્ફે જગદીશ રાજાભાઈ પંચાળીયા અને મોટી મોલડીના વેલશી ઉર્ફે વેલો દેવાભાઈ મેઘાણીને ઝડપી લીધા હતા. આ શખ્સોને પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી, બેડલા ગામ, હડમતીયા વાડી વિસ્તાર અને મોટી મોલડીમાંથી લૂંટ થયેલ મોબાઈલ, રૂ. 3 હજાર અને ગુનામાં વપરાયેલ ઈકો કાર સાથે પકડી પાડયા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: