બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના સાબા ગામે એક એવી દુર્ઘટના ઘટી છે જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. ખેતરમાં રમતા-રમતા બે માસૂમ બાળકો બાળભોગની પડીકીમાં રાખેલી ઉંદર મારવાની ઝેરી દવા ખાઈ જતાં બંનેના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટના માતા-પિતા અને સમાજ માટે એક મોટી 'લાલ બત્તી' સમાન કિસ્સો સાબિત થઈ છે.

રમતા-રમતા ખાઈ લીધી ઝેરી દવા

સાબા ગામની સીમમાં ખેતર માલિક અને ભાગિયા પરિવારના બાળકો સાથે રમી રહ્યા હતા. ખેતરમાં ઉંદરોનો ત્રાસ હોવાથી, ઉંદર મારવાની દવાને સુરક્ષિત રાખવાને બદલે ભૂલથી બાળભોગની થેલીમાં જ ભરીને રાખવામાં આવી હતી. માસૂમ બાળકો આ પડીકીને ખાવાની વસ્તુ (બાળભોગ) સમજી ગયા હતા અને રમતા-રમતા તેને ખાઈ લીધી હતી. ઝેરી દવાની અસરને કારણે બંને બાળકોની હાલત ગંભીર થઈ હતી અને જોતજોતામાં તેમના પ્રાણ પંખેરૂ ઊડી ગયા હતા.

શ્રમિક પરિવારોમાં ભારે અરેરાટી પ્રસરી

આ કરૂણ ઘટનામાં ખેતર માલિકની 5 વર્ષીય પુત્રી કુસુમબેન પ્રજાપતિ અને ભાગિયાના 3 વર્ષીય પુત્ર જયદીપભાઈ ઠાકોરનું મોત નીપજ્યું છે. એકસાથે બે વહાલસોયા બાળકોના મોતથી પરિવારો પર આભ તૂટી પડ્યું છે અને સાબા ગામ સહિત સમગ્ર જામપુર પંથકમાં માતમનો માહોલ છવાયો છે. ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારોમાં આ હોનારતને પગલે ભારે અરેરાટી પ્રસરી ગઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો