બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવ તાલુકામાં તલાટી કમ મંત્રીઓની અનિયમિતતાને રોકવા માટે જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા એક કડક અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતોમાં તલાટીઓની ગેરહાજરીને લઈને લાંબા સમયથી ઉઠતી ફરિયાદોના નિવારણ માટે હવે 'સેલ્ફી હાજરી' નો નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે.

તલાટી કમ મંત્રીઓની અનિયમિતતાને રોકવા નિર્ણય 

નવા પરિપત્ર મુજબ, હવે તમામ તલાટીઓએ મોબાઈલ એપ્લિકેશન દ્વારા દિવસમાં બે વાર (સવાર અને સાંજ) પોતાની હાજરી પૂરવી પડશે. આ હાજરી સામાન્ય નહીં હોય, પરંતુ તેમાં તલાટીએ જે તે પંચાયત કચેરીમાં હાજર રહીને પોતાનો ફોટો (સેલ્ફી) અપલોડ કરવો પડશે. એપ્લિકેશન દ્વારા તલાટીનું ચોક્કસ લોકેશન (Latitude-Longitude) ટ્રેક કરવામાં આવશે, જેથી તેઓ ખરેખર કચેરીમાં હાજર છે કે નહીં તેની ખાતરી કરી શકાય.

પગાર પર સીધી અસર

નિયમમાં વધુ કડકાઈ લાવતા જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ તલાટી દિવસમાં માત્ર એક જ વાર હાજરી પૂરશે, તો તેમનો અડધા દિવસનો પગાર કાપી લેવામાં આવશે. હવેથી તલાટીઓનો માસિક પગાર એપ્લિકેશનમાં નોંધાયેલી હાજરી શીટના આધારે જ નક્કી કરવામાં આવશે.

ગેરહાજર તલાટીઓ સામે લાલ આંખ

વારંવાર ગેરહાજર રહેતા અથવા નિયમોનું ઉલ્લંઘન કરતા તલાટીઓ સામે વહીવટી તંત્ર દ્વારા કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. આ નિર્ણયથી ગ્રામીણ સ્તરે વહીવટી કામગીરીમાં પારદર્શિતા આવશે અને અરજદારોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: PGVCLની બેદરકારીની ગુજરાત હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ, લટકતા વાયરોથી મોત થાય તો વીજ કંપની જવાબદાર