વાવ - થરાદ જિલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા છવાઈ હતી. જોકે ગત ગુરૂવારના સાંજના સમયે વરસાદની આગાહીના પગલે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા સમગ્ર જિલ્લામાં મેઘમહેર થઈ હતી. ભાભર, દિયોદર અને ધરણીધર તાલુકા જેવા વિસ્તારોમાં સારો વરસાદ થવાથી ખરીફ્ પાકો જેવા કે બાજરી, એરંડા, કપાસ, મગફ્ળી વગેરેને નવું જીવન મળ્યું છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હર્ષોલ્લાસની લાગણી ફેલાઈ છે. જોકે ભાભર અને દિયોદરમાં વધુ વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના પગલે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ આ વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ બન્યું હતું. ભાભર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગુરૂવારથી શુક્રવાર સવારે 6 વાગ્યા સુધીમાં 113 મિમી વરસાદ પડયો હતો. તેમજ શુક્રવારે સવારે 6 વાગ્યેથી બપોરના 12 વાગ્યા સુધીમાં 165 મીમી વરસાદ ખાબકતા કુલ 11 ઈંચથી વધુ વરસાદ પડતા ભાભર મુખ્ય માર્ગો, લાટી બજાર, લાલચોક, આઝાદચોક, ખાડિયા વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, જ્યારે રોડ-રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાભર નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકાની ટીમ, ભાભર પીઆઇ સહિત વહીવટી તંત્ર તાત્કાલિક મેદાનમાં ઉતરી પડયા હતા. ભાભરમાં પડેલ ભારે વરસાદને લઈ જિલ્લા પોલીસ વડા સહિત પ્રાંત અધિકારી પણ ભાભર દોડી આવ્યા હતા અને વહીવટી તંત્રને જરૂરી સૂચના આપવામાં આવી હતી.
