વાવ-થરાદઃ સરહદી બનાસકાંઠા જિલ્લાના ભારતમાલા રોડ પર ઊભી રહેતી ટ્રકોમાંથી ચોરી કરતી રીઢા ગુનેગારોની ગેંગનો વાવ-થરાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં પર્દાફશ કર્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ તથા ગુનામાં વપરાયેલા વાહન અને મોબાઇલ સહિત કુલ રૂા. 4,17,785 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે અન્ય 3 આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બાતમીના આધારે પોલીસે દુદોસણ ગામના પાટિયા પાસેથી એક શંકાસ્પદ ઇસુઝુ કંપનીના ડી-મેક્સ મોડેલના પીક-અપ ડાલાને આંતર્યું હતું. વાહનમાં સવાર ત્રણ ઇસમોની કડક પૂછપરછ કરતાં અને ગાડીની તલાશી લેતા તેમાંથી સુઈગામ અને વાવ વિસ્તારમાંથી ચોરેલો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે તમામની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 35(1)(ડી) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે મુદ્દામાલ સાથે સુઈગામ પોલીસને સોંપ્યા છે.










