વાવ-થરાદ જિલ્લાના નાગલા ગામના ગ્રામજનો માટે આજનો દિવસ એક ઐતિહાસિક અને યાદગાર દિવસ બની રહ્યો છે. વર્ષોથી પુનર્વસનની આશા રાખીને બેઠેલા 371 લાભાર્થી પરિવારોની લાંબી પ્રતીક્ષાનો અંત લાવી, પ્રશાસન દ્વારા તેમને પોતાના ઘરના પ્લોટની સનદોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સનદો માત્ર કાગળના ટુકડા નથી, પરંતુ ગ્રામજનોના સુરક્ષિત ભવિષ્ય અને નવી શરૂઆતનું પ્રતીક છે. આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ શર્માના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. નાગલા ગામમાં પુનર્વસનની પ્રક્રિયા વર્ષ 2016-17થી શરૂ થઈ હતી, પરંતુ જમીન અને વહીવટી મંજૂરીઓની જટિલતાને કારણે આ મામલો વર્ષોથી અટવાયેલો હતો. ગ્રામજનોની આ વેદનાને સમજીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ આ પ્રશ્નને અગ્રતા આપી અંગત રસ લીધો હતો. તેમના સતત ફોલોઅપ અને સંવેદનશીલ રજૂઆતોના પરિણામે તા. 13/08/2023ના રોજ રાજ્ય સરકાર દ્વારા આ યોજનાને અંતિમ મંજૂરી મળી હતી. અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કાયદાકીય પ્રક્રિયાઓ ઝડપભેર પૂર્ણ કરવામાં આવતા આજે 371 પરિવારોને પોતાના પ્લોટ મળ્યા છે. પોતાના હકના પ્લોટની સનદ મળતા જ લાભાર્થી પરિવારોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. ગામના સરપંચ દેવશી પટેલે જણાવ્યું હતું કે, એક જ દિવસે આટલી મોટી સંખ્યામાં પરિવારોને પ્લોટની સનદો આપીને નેતૃત્વ અને વહીવટી તંત્રએ સમગ્ર ગુજરાતમાં એક પ્રેરણારૂપ દાખલો બેસાડયો છે. ગરીબ પરિવારોને માથે છત અપાવવાનું આ ભગીરથ કાર્ય અધ્યક્ષ શંકર ચૌધરીના સંનિષ્ઠ પ્રયાસોથી જ શક્ય બન્યું છે. આ ઉપરાંત, આગેવાન જીવરાજ પટેલે બાકી રહેલા લાભાર્થીઓની પ્રક્રિયા વહેલીતકે પૂર્ણ કરવા અને પુનર્વસન વિસ્તારમાં રોડ, રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. આ ઐતિહાસિક પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી રાજેશ જોશી, સરપંચ દેવશી પટેલ, અગ્રણીઓ સરદારસિંહ વાઘેલા, હિતેશ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો, વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી લાભાર્થીઓને વધાવ્યા હતા.
