વાવ તાલુકાની સીમમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં એક યુવકની ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી જે હત્યામાં સંડોવાયેલ બે આરોપી વિરુદ્ધ વાવ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાવ શહેરની સીમમા ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા દંપતીનાં પુત્ર અશોકને પ્રેમ પ્રકરણમાં અદાવત રાખી યુવતીના ભાઈ મહેશ કરસન ઠાકોર અને કિરણ જોહાભાઈ ઠાકોરે દારૂમાં નશાની ગોળીઓ નાખી અશોકને પીવડાવીને તેને ગળે ફંસો દઈ હત્યા કરી ગુનાને આત્મહત્યામાં ખપાવવા મૃતદેહને લટકાવી દેતા તેની ફરિયાદ વાવ પોલીસ મથકે નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં વધુ પૂછપરછ અંગે બંને આરોપીઓને વાવ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતા વધુ તપાસ પીઆઈ હાર્દિક મકવાણા હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમ પ્રકરણની અદાવતમાં હત્યાના બનાવોમાં વધારો થતા સમગ્ર સરહદી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.