વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકાના ચાંગડા ગામે આવેલી શ્રી ધરણીધર ગૌશાળામાં બેસતા વર્ષની રાત્રે હૃદયદ્રાવક ઘટના બની હતી. ગૌશાળામાં રાખવામાં આવેલા 75 થી વધુ ગૌવંશ અચાનક બીમાર પડતાં ગૌશાળા સંચાલકોમાં દોડધામ મચી હતી. તાત્કાલિક પશુપાલન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પશુચિકિત્સક ડોક્ટર ગઢવીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ડોક્ટર ગઢવીએ પરિસ્થિતિની ગંભીરતા સમજી સારવાર માટે ટીમોને તાત્કાલિક કામે લગાડી હતી. જોકે, સારવાર દરમિયાન કમનસીબે 44 જેટલાં ગૌવંશનાં મૃત્યુ નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ગૌવંશને બચાવી લેવામાં આવ્યાં હતાં. પ્રાથમિક માહિતી મુજબ, ડીસાથી મંગાવવામાં આવેલા લીલા મકાઈનો ચારો ખાધા બાદ ગૌવંશની તબિયત લથડી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ લીલો ઘાસચારો હોવાથી ખોરાકી ઝેરની અસર થઈ હોવાનું અનુમાન લગાવ્યુ હતું જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. પશુચિકિત્સકોની ટીમે મૃત ગૌવંશનું પોસ્ટમોર્ટમ કરી જરૂરી સેમ્પલ લીધાં છે, જે તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં પગલાં ભરવામાં આવશે.ઘટનાના સમાચાર મળતાં જ મહેશભાઈ દવે (જસરા), ગૌસંસદ રામભાઈ રાજપૂત, ગૌવિધાયક દુદાજી પટેલ સહિતના ગૌભક્તો, ગૌરક્ષકો, ગ્રામજનો અને આસપાસના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં ગૌશાળા ખાતે ઉમટી પડયા હતા. ગૌમાતાઓના મૃતદેહો જોઈ ઉપસ્થિત લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ હતી.
