થરાદ તાલુકાના એક ગામના યુવકનું અમદાવાદથી અપહરણ કરી તેને માર માર્યો હોવાની થરાદ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ બાદ આ કિસ્સામાં નવો વળાંક આવતાં આ યુવક સહિત ત્રણ વિરુધ્ધ પીડિત પરિણીત યુવતીએ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી. લાખણી તાલુકામાં સાસરે આવતી પરિણીત યુવતીએ આગથળા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદની હકીકત એવી છે કે પીડિતા ગત 19 ફેબ્રુઆરીના રોજ લાખણી ખાતે બ્યુટી પાર્લર ગઈ હતી, જ્યાં પરિચિત કેશવભાઈ ભલાજી માળી (રહે. ડેડુવા, તા. રાહ) તેને પોતાની મોટર સાઈકલ પર બેસાડી ભગાડી ગયો હતો.ને પાંથાવાડાની હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ આરોપીએ યુવતીને દાંતીવાડા ખાતે ખેતરે લઈ ગયો હતો. આરોપ છે કે અન્ય યુવકને ઉશ્કેરણી કરી યુવતી સાથે જબરજસ્તી કરવા દબાણ કર્યું હતું. એટલું જ નહી યુવતીને ડરાવી-ધમકાવી પાલનપુર ખાતે મૈત્રી કરારના કાગળો પર સહીઓ પણ કરાવી લીધી હતી. ત્યાર બાદ પોલીસ પકડથી બચવા માટે આરોપી યુવતીને લઈને દેશના અન્ય શહેરોની હોટલોમાં રોકાયો હતો. આ દરમિયાન અન્ય આરોપીઓએ યુવતીના દાગીના પડાવી લીધા હતા અને તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે આરોપીઓ યુવતીને અમદાવાદના વટવા વિસ્તારમાં લઈ આવ્યા હતા, જ્યાં યુવતીએ તક મળતા તેના મામાનો સંપર્ક કર્યો હતો. પરિવારજનોએ વટવા પહોંચી યુવતીને છોડાવી હતી. ગત રોજ યુવતીએ તેના પિતા સાથે આગથળા પોલીસ મથકે પહોંચી કેશવ ભલાજી માળી (ડેડુવા), હરચંદ દાનાજી માળી (ટરૂવા), પીરાજી ઉમાજી માળી (ટરૂવા) એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
