દિયોદરમાં પરિણીતાના આપઘાતના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. શહેરના તિરુપતિ ગ્રીન બંગ્લોઝમાં રહેતી 38 વર્ષીય રાજેશ્વરીબા શૈલેન્દ્રસિંહ જાડેજાએ ગુરુવારે બપોરના સમયે પોતાના બેડરૂમમાં ગળેફંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવને પગલે મૃતકના ભાઈએ પતિ અને સાસુ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઈ છે. ફરિયાદની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ રાજેશ્વરીબાના લગ્ન ગત તા. 4થી ફેબ્રુઆરી, 2013ના રોજ શૈલેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજા સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ શૈલેન્દ્રસિંહ અને સાસુ ઇન્દ્રાબા જાડેજા દ્વારા દહેજ તેમજ સોનાના દાગીનાની માંગણી કરી અવારનવાર મેણાંટોણાં મારવામાં આવતા હોવાનો મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની પણ ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે. મૃતક જ્યારે પિયર આવતી ત્યારે પરિવારજનોને પોતાની વ્યથા જણાવતી હતી. જોકે, સામાજિક કારણોસર પરિવારજનો તેને સમજાવીને ફરી સાસરે મોકલતા હતા. આખરે કથિત ત્રાસથી કંટાળીને રાજેશ્વરીબાએ જીવન ટૂંકાવ્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે દિયોદર પોલીસે પતિ શૈલેન્દ્રસિંહ જાડેજા અને સાસુ ઇન્દ્રાબા જાડેજા સામે પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબૂર કરવાના આક્ષેપસર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
