આજના વ્યસ્ત યુગમાં જ્યારે જન્મદિન માત્ર ઉજવણી પૂરતા સીમિત થઈ જતા હોય છે, ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિનને વાવ-થરાદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સાચા અર્થમાં 'સેવા દિવસ' તરીકે મનાવીને માનવતા અને જીવદયાની એક અદ્ભુત મિસાલ બેસાડવામાં આવી છે. જિલ્લાના ખૂણે-ખૂણે યોજાયેલા આ સેવાકીય અને હૃદયસ્પર્શી કાર્યોએ સમગ્ર પંથકમાં માનવતાની સુવાસ ફેલાવી દીધી છે.
ગૌસેવા એ જ પ્રભુસેવા ના પવિત્ર મંત્રને સાર્થક કરતા વાવ-થરાદ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કર્મઠ કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાનના જન્મદિનને યાદગાર બનાવવા માટે એક ભાવનાત્મક પહેલ કરવામાં આવી હતી. વડાપ્રધાનના 76માં જન્મદિનને અનુલક્ષીને બરાબર 76 ગાડીઓમાં લીલો ઘાસચારો ભરીને જિલ્લાની વિવિધ ગૌશાળાઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. ગૌશાળાઓમાં પહોંચીને સૌએ ગૌમાતાનું પૂજન કર્યું હતું અને મૂગા જીવોની સેવા કરી વડાપ્રધાનના દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન માટે હૃદયપૂર્વક પ્રભુ પ્રાર્થના કરી હતી, જેણે ઉપસ્થિત સૌના હૈયાં ગગડાવી દીધા હતા.માત્ર મૂગા પશુઓની જ નહીં, પરંતુ માનવ જીવનની રક્ષા માટે પણ જિલ્લામાં સંવેદનાનો મહાસાગર ઉમટયો હતો. વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે સમગ્ર વાવ-થરાદ જિલ્લાના 10 જુદા જુદા મંડળોમાં વિશાળ મહારક્તદાન કેમ્પોનું ભવ્ય આયોજન કરાયું હતું. યુવાનો અને કાર્યકર્તાઓમાં જોવા મળેલો ઉત્સાહ અભ્દુત હતો. આ તમામ કેમ્પોમાંથી સ્વયંભૂ રીતે કુલ 760 બોટલ જેટલું કિંમતી રક્ત એકત્રિત કરી જરૂરિયાતમંદ દર્દીઓની વ્હારે જવા માટે રક્તબેંકોમાં જમા કરાવવામાં આવ્યું હતું, જે અનેક નવજીવન બદાનવા માટે સંજીવની સમાન સાબિત થશે
