થરાદ : આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને રાષ્ટ્રનિર્માણમાં તેઓના અનન્ય યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે તા. 15મી નવેમ્બરે સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત રવિવારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને દૂધ શીત કેન્દ્ર, થરાદ ખાતે જિલ્લાકક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ સહાય યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. ઉપરાંત, આદિજાતિ સમાજના વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી નાગરિકોને અધ્યક્ષશ્રી દ્વારા પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ અને સિદ્ધિઓની ઝાંખી દર્શાવતી ટૂંકી ફ્લ્મિનું નિદર્શન કરાયું હતું તેમજ ઉપસ્થિત સૌ કોઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, પૂજ્ય મહાત્મા ગાંધીજી, વીર ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા અનેક મહાપુરુષો અને ક્રાંતિકારીઓએ દેશની આઝાદી અને ઘડતરમાં પોતાનું જીવન સમર્પિત કર્યું, તે જ રીતે આદિવાસી સમાજના મહાનાયક ભગવાન બિરસા મુંડાએ પણ દેશની સ્વતંત્રતા માટે અતુલ્ય યોગદાન અને બલિદાન આપ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો