બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ વિસ્તારમાં ગ્રામ પંચાયતોને મળતી વિકાસ ગ્રાન્ટના ઉપયોગમાં નડતરરૂપ બનતી વહીવટી અડચણો અને જટિલ નિયમોને કારણે ગ્રામીણ વિકાસના કાર્યો પ્રભાવિત થઈ રહ્યા છે. આ બાબતે વાવ-થરાદ જિલ્લા સરપંચ એસોસિએશન દ્વારા ડીડીઓ મારફ્તે મુખ્યમંત્રી સમક્ષ એક મહત્વપૂર્ણ લેખિત રજૂઆત કરવામાં આવી છે.વાવ થરાદ સરપંચ એસોસિયન જેતસીભાઈ પટેલ અને કિરણસિંહ રાજપુતની આગેવાનીમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં સરપંચોએ માંગ કરી હતી કે આ ગ્રામ પંચાયતોમાં આવતા 15માં નાણાં પંચની ગ્રાન્ટમાં માર્ગદર્શિકામાં જરૂરી સુધારા કરી ગ્રામ પંચાયતોને વધુ નાણાકીય અને વહીવટી સ્વતંત્રતા આપવા માટે ઉગ્ર માંગ કરાઈ છે.એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવી હતી કે હાલમાં લાગુ 20% ની મર્યાદા વધારવામાં આવે અથવા દૂર કરવામાં આવે, જેથી ગામની વાસ્તવિક જરૂરિયાત મુજબ ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ થઈ શકે. ગામના આંતરિક રસ્તાઓ, સીસી રોડ, પેવર બ્લોક અને મરામતના કાર્યો માટે સ્થાનિક જરૂરિયાત મુજબ વધુ રકમ ખર્ચવાની ગ્રામ પંચાયતોને છૂટ આપવામાં આવે.પાણી પુરવઠો, ડ્રેનેજ કે ગટરલાઈન કામગીરી દરમિયાન નુકસાન પામનારા રસ્તાઓના પુનઃસ્થાપન અને રિપેરિંગ માટે નાણાં પંચની ગ્રાન્ટ વાપરી શકાય તેવી સ્પષ્ટ જોગવાઈ કરવા માંગ કરાઈ છેઃ નક્કી કરેલી નાણાકીય મર્યાદા સુધીના નાના વિકાસ કાર્યો માટે ટેન્ડર પ્રક્રિયાને સરળ બનાવી, ઝડપી અને પારદર્શક પ્રક્રિયા દ્વારા પંચાયતોને કામ કરાવવાની સત્તા અપાય.ગ્રામસભાના ઠરાવ તથા જીપીડીપી મુજબ ગામની સ્થાનિક જરૂરિયાતના કાર્યો માટે અનટાઇડ ગ્રાન્ટના ઉપયોગમાં વધુ નાણાકીય અને વહીવટી સ્વતંત્રતા આપવામાં આવે. તાલુકા કક્ષાએ બિલ રજૂ કરતી વખતે પ્રિ-ઓડિટ માટે માંગવામાં આવતા જટિલ દસ્તાવેજો અને અગાઉ રજૂ થયેલા કાગળોની બિનજરૂરી માંગણીઓ દૂર કરવામાં આવે.
