ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ નગરપાલિકા વિસ્તારમાં લોકકલ્યાણ અર્થે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે રૂ. 287 લાખના ખર્ચે સાકાર થયેલા નવનિર્મિત હડકાઈ માતાજી ગાર્ડન તથા લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટને વિધિવત ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, છેવાડાના વિસ્તારો સુધી પાયાની સુવિધાઓ પહોંચાડી નાગરિકોનું જીવનધોરણ વધુ સમૃદ્ધ બનાવવું એ સરકારની મુખ્ય નેમ છે. શહેરી વિસ્તારોમાં આવા મનોરંજન અને કુદરતી વાતાવરણ પૂરું પાડતા પ્રોજેક્ટ્સ નાગરિકોના આરોગ્ય અને બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે નગરપાલિકાની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવીને સ્થાનિક નાગરિકોને આ સુંદર પરિસરની સ્વચ્છતા જાળવવા અને તેને પોતાની જાહેર મિલકત ગણી સંભાળ રાખવા અપીલ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો