વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ભેંસાણા ગામમાંથી ગૌસેવા અને જીવદયાના ક્ષેત્રને હચમચાવી નાખતા દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હજારો ગાયોની સેવા તેમજ અબોલ પશુ-પક્ષીઓના કલ્યાણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર સાધ્વી શ્રી શારદાબેનનું ટૂંકી માંદગી બાદ દુઃખદ અવસાન થતાં ભેંસાણા સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. વર્ષો સુધી ગૌમાતાની સેવા અને જીવદયાનું કાર્ય કરનાર સાધ્વી શારદાબેનની વિદાયના સમાચાર મળતાં જ ગૌપ્રેમીઓ, ભક્તો અને સેવાભાવી લોકોમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી. સાધ્વી શ્રી શારદાબેનના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં લોકો ભેંસાણા ગામે ઉમટી પડયા હતા. તેમના સન્માનમાં અને શોક વ્યક્ત કરવા ગામ પણ બંધ રહ્યું હતું. શનિવાર ના રોજ ભેંસાણા ગૌશાળા ખાતેથી સાધ્વી શ્રી શારદાબેનની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. આ પાલખીયાત્રામાં હજારોની સંખ્યામાં ગૌપ્રેમીઓ, ગ્રામજનો, ભક્તો અને સેવાભાવી લોકો જોડાયા હતા. પાલખીયાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. વર્ષો સુધી જેમણે અબોલ જીવોની સેવા કરી હતી, તેવી સાધ્વી શારદાબેનને અંતિમ વિદાય આપતી વખતે અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. ત્યારબાદ ભારે હૈયે અને ભીની આંખે તેમને સમાધિ આપવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો