સુઈગામ વિસ્તારમાં રસ્તાની બાજુમાં શંકાસ્પદ દવાનો મોટો જથ્થો બિનવારસી અને ફેંકાયેલી હાલતમાં મળી આવતા સ્થાનિક રહીશો અને ગ્રામજનોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ગંભીર ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રસ્તા કિનારે ખુલ્લામાં શંકાસ્પદ દવાઓનો જથ્થો પડેલો જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોઈને સ્થાનિકોમાં અનેક ગંભીર સવાલો ઉભા થયા છે કે, આટલી મોટી માત્રામાં શંકાસ્પદ દવાઓ ત્યાં કેવી રીતે પહોંચી. તેને કોણે અને કયા હેતુસર ફેંકી છે. શું આ કોઈ વહીવટી કે તંત્રની ગંભીર બેદરકારી છે કે પછી કોઈ મોટી ગેરરીતિનો મામલો છે. દવાઓ જેવી સંવેદનશીલ ચીજવસ્તુઓનો આ પ્રકારે ખુલ્લામાં નિકાલ કરવો કે બિનવારસી છોડી દેવી એ જાહેર આરોગ્ય માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. આ સમગ્ર મામલે ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ સખત રોષ વ્યક્ત કરી કાર્યવાહિ કરવા માંગ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ અને સંબંધિત વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને સ્થળ તપાસ કરવામાં આવે અને શંકાસ્પદ દવાનો જથ્થો કબજે લેવામાં આવે. આ શંકાસ્પદ દવાઓ કયા સ્ત્રોત કે સ્ટોકમાંથી આવી છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી સંડોવાયેલા જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. દવાઓના સંગ્રહ, વિતરણ અને એક્સપાયરી દવાઓના નિકાલની સમગ્ર પ્રક્રિયાની પારદર્શક તપાસ થાય, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરી ન બને તે હેતુસર જવાબદાર તંત્ર સવારે યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો