સુઈગામ તાલુકાના સરહદી ગરાબડી ગામમાં છેલ્લા સતત બે મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. ગામના પટેલ, ઠાકોર અને રબારી વિસ્તારોમાં પાણીની અછતને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મહિલાઓને માથા પર બેડાં ઉપાડી દૂર દૂર સુધી પાણી લેવા જવાની ફરજ પડી રહી છે.ગામલોકોના જણાવ્યા મુજબ નિયમિત પાણી પુરવઠો ન મળતા દૈનિક જીવન પ્રભાવિત બન્યું છે. દિકરીઓ પર પાણી ભરવાની જવાબદારી વધુ વધી ગઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.ગામ લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. ગ્રામજનોએ માંગ કરી છે કે પાણી પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ટેન્કર અથવા અન્ય વ્યવસ્થા મારફ્તે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે અને સમગ્ર મામલે તંત્ર દ્વારા સ્થળ પર તપાસ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે.ગરાબડી ગામના લોકોનો સવાલ છે કે, આખરે અમને નિયમિત પીવાનું પાણી ક્યારે મળશે.? ગ્રામજનોએ જિલ્લા તંત્ર અને પાણી પુરવઠા વિભાગને માનવતાના ધોરણે વહેલી તકે કાર્યવાહી કરવાની અપીલકરી છે.
