મહાત્મા ગાંધીજીની જન્મજયંતી એટલે કે 2જી ઑક્ટોબર, 2026ના દિવસે નવરચિત વાવ-થરાદ જિલ્લાની સ્થાપનાને સફ્ળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. 2 ઑક્ટોબર, 2025ના રોજ અસ્તિત્વમાં આવેલા આ સરહદી જિલ્લાએ પોતાના પ્રથમ જ વર્ષમાં વિકાસ અને સુશાસનના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી છે. સરહદી પંથકના પ્રજાજનોની વર્ષો જૂની આકાંક્ષાઓ સાકાર થયાના આ ઐતિહાસિક પર્વને સમગ્ર જિલ્લામાં ઉત્સાહ, ઉમંગ અને ગૌરવ સાથે વધાવવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્રથમ સ્થાપના દિવસને જનભાગીદારી થકી એક યાદગાર મહોત્સવ બનાવવા માટે વિવિધ પ્રેરણાદાયી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે 2જી ઑક્ટોબરના રોજ સવારે 6:30 કલાકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને રન ફોર વાવ - થરાદ અભિયાન અંતર્ગત વિશાળ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયક્લોથોન થરાદના ગૌમાતા ચાર રસ્તાથી પ્રસ્થાન થઈ પવિત્ર યાત્રાધામ ઢીમા ખાતે સંપન્ન થશે, જેમાં આરોગ્ય, પર્યાવરણ અને એકતાનો સંદેશ આપવામાં આવશે. આ ઉપરાંત, સાંજે 7:00 કલાકે સરહદનો સાદ વિકસિત વાવ - થરાદ થીમ આધારિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કેસરિયા નવરાત્રિ મહોત્સવ મેદાન, સાંચોર રોડ, થરાદ ખાતે યોજાશે, જેમાં પ્રદેશની સમૃદ્ધ લોકસંસ્કૃતિ, દેશભિક્ત અને જિલ્લાની એક વર્ષની પ્રગતિની ઝાંખી રજૂ કરવામાં આવશે. જિલ્લાના પ્રથમ સ્થાપના દિવસના આ પાવન અવસરે થરાદ પ્રાંત અધિકારી સાજન મેરે જિલ્લા વહીવટી તંત્ર વતી સમગ્ર જિલ્લાવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવતાં કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાઈને લોકઉત્સવ બનાવવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે કેસરિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં ખ્યાતનામ કલાકારો પધારશે. જિલ્લાની સ્થાપનાના સફ્ળ એક વર્ષની પૂર્ણતાને ગૌરવવંતી ક્ષણ ગણાવી સમગ્ર વાવ-થરાદની જનતાને સાંચોર હાઇવે સ્થિત પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભરી અપીલ કરી છે.
