થરાદ તાલુકાના સવરાખા ગામના એક યુવકને અજાણ્યા શખ્સોએ પીલુડા ગામ નજીક આંતરીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. વધુમાં મળતી માહિતી મુજબ, ભલાભાઈને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને એક વીડિયો બનાવવાનો હોવાનું કહી બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ભલાભાઈએ જણાવ્યું હતું કે તેઓ થરાદ ખાતે કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં જઈ રહ્યા છે. ત્યારબાદ તેઓ રિક્ષામાં બેસીને નીકળ્યા હતા. રસ્તામાં કરબુન ગામના બસ સ્ટેન્ડ નજીક આર્ટિકા ગાડીમાં બેઠેલા શખ્સોએ તેમને થરાદ આવવાનું છે કે કેમ તેવું પૂછયું હતું, પરંતુ ભલાભાઈએ ના પાડી હતી. તેમ છતાં આર્ટિકા ગાડીમાં આવેલા શખ્સોએ રિક્ષાનો પીછો કર્યો હતો. રિક્ષા પીલુડા પહોંચતા ત્યાં સ્કોર્પિયો ગાડી આવી હતી અને તેમાં આવેલા શખ્સોએ ભલાભાઈને તેં દાનીબેનનો વીડિયો બનાવ્યો છે તેમ કહી માર મારવાનું શરૂ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દરમિયાન એક શખ્સ ભલાભાઈનો મોબાઈલ ફોન લઈને ભાગી ગયો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થતાં હુમલાખોરોએ ભલાભાઈને છોડી દીધા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત ભલાભાઈને થરાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે ભલાભાઈ દ્વારા થરાદ પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા વધુ તપાસ હાથ ધરાઈ છે.
